કારગિલ વિજય દિવસ || ઓપરેશન વિજય || kargil vijay divas || વિજય દિવસ || કારગિલ યુદ્ધ વિશે સંપૂર્ણ માહિતી
કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે. કારગિલ યુદ્ધ વિશે વાચકમિત્રોને માહિતી મળી રહે તે માટે અહીં પોસ્ટ લખી છે. અહીં શક્ય તેટલી કાળજી રાખીને પોસ્ટ લખી છે, છતાં પણ કોઈ ભુલ રહી ગઈ હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો.કારગિલ યુદ્ધ વિશે બહુ ઓછી માહિતી આપણી પાસે હોય છે તો અહીં શક્ય તેટલી વધુ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે તમને ચોક્કસ ગમશે.અહીં આપેલી માહિતી વિદ્યાર્થીઓ,વાલીઓ તથા વાચક મિત્રોને ખુબ જ ઉપયોગી થશે.
કારગિલ વિજય દિવસ || ઓપરેશન વિજય || વિજય દિવસ
ભારતના પાકિસ્તાન પરના કારગિલ વિજયને ઈ.સ.1999 માં અટલ બિહારી વાજપાઇએ કારગિલ વિજય દિવસ જાહેર કર્યો હતો. આ કારગિલ યુદ્ધ દરિયાની સપાટીથી 1800 ફુટની ઉચાઈ પર લડવામાં આવ્યુ હતું. આ કારગિલ યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. કારગિલ યુદ્ધમાં ભારતનાં 527 સૈનિકો શહિદ થયા હતા. 1363 સૈનિકો ઘાયલ થયા હતા. આ કારગિલ યુદ્ધ 84 દિવસ સુધી ચાલ્યું હતું.
નિયંત્રણ રેખાની ભારતીય બાજુ પર પાકિસ્તાની ઘુસણોરોનો સફાયો કરવા માટે ભારતીય સૈન્ય દ્વારા "ઓપરેશન વિજય" શરુ કરવામાં આવ્યું. આખરે ૨૬ જુલાઈ ૧૯૯૯ ના રોજ આ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું. આ ભવ્ય વિજયની ઉજવણીના ભાગ રૂપે કારગિલ વિજય દિવસ ઉજવણી કરવામાં આવે છે.
મે 1999 સુધી ભારતીય સૈન્યને પાકિસ્તાની ઘુસણખોરોની માહિતી જ નહોતી. ત્યાંના સ્થાનિક પશુપાલકો દ્વારા આ ઘુસણખોરોની માહિતી ભારતીય સૈન્યને આપવામાં આવી હતી. આ સ્થાનિક પશુપાલકો એ ભારતીય સૈન્યની ચોકી પર પાકિસ્તાની ઘુસણખોરોનો જમાવડો જોયો હતો.
8 મે 1999 ના રોજ યુદ્ધની શરૂઆત થઈ હતી. ભારતીય સૈન્ય માંટે મુશ્કેલી એ હતી કે આ ઘુસણખોરો ઉંચાઇ પર હતા. જેથી તેઓ સરળતાથી ભારતીય સૈન્ય પર નજર રાખી શકતા હતા. આ ઉપરાંત ભારત પાસે કેટલા ઘુસણખોરો છે તે અંગેની ચોક્કસ માહિતી નહોતી. છતાં પણ ભારતીય સૈન્યએ પોતાની તાકાતથી ઘુસણખોરોને માત આપી હતી.
કારગિલ યુદ્ધની વિશેષતા એ છે કે આ યુદ્ધ 18000 ફુટની ઉંચાઇ પર લડવામાં આવ્યુ હતું.આ યુદ્ધ પર્વતીય પ્રદેશમાં લડવામાં આવ્યુ હતું. આ કારગિલ યુદ્ધમાં પચાસ હજાર જેટલા ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતા. આ કારગિલ યુદ્ધમાં 300 થી વધારે તોપ, મોર્ટાર અને રોકેટ લોન્ચરનો ઉપયોગ થયો હતો. આ કારગિલ યુદ્ધમાં ભારત તરફથી રોજ 5000 થી વધારે બોમ્બ ફાયર કરવામાં આવતા હતા.
26 જુલાઈના રોજ ભારતના પ્રધાનમંત્રી ઈંડિયા ગેટ પર અમર જવાનોને જ્યોતિ સાથે શ્રધ્ધાંજલિ આપે છે. આ કારગિલ વિજય દિવસ પર દેશમાં વિવિધ જગ્યાએ ઉજવણી કરી, શહિદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. આ કારગિલ યુદ્ધમાં શહિદ થયેલા અમર જવાનોને યાદ કરવામાં આવે છે તથા તેની સાહસી વાતો પણ કરવામાં આવે છે.
કારગિલ યુદ્ધનો ઈતિહાસ (history of kargil war) :
ભારત અને પાકિસ્તાન બન્ને પાડોશી દેશો છે. પાકિસ્તાન ભારતમાંથી જ અલગ થયેલો એક દેશ છે. આઝાદી સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અવારનવાર સંઘર્ષો થતાં આવ્યા છે. ઈ.સ.1971 માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ હતુ. આ યુદ્ધમાં પણ પાકિસ્તાનનો પરાજય થયો હતો.
કારગિલ વિસ્તારમાં ખુબ જ ઉંચા ઉંચા પર્વતો આવેલા છે. આ વિસ્તારમાં ખીણો પણ આવેલી છે. આ કારગિલ વિસ્તાર ભુપૃષ્ઠની દ્રષ્ટિએ પણ ખુબ જ વિષમ છે. અંહી વિવિધ ધર્મો પાળતી પ્રજા વસે છે. પર્વતીય વિસ્તારને કારણે અંહી રસ્તાઓ ખુબ ઓછા છે. શ્રીનગરને લેહ સાથે જોડતો એકમાત્ર માર્ગ નેશનલ હાઈવે નંબર 1 છે. આ નેશનલ હાઈવે નંબર 1 કારગિલ માંથી પસાર થાય છે. આ નેશનલ હાઈવે પરિવહન માટે ખુબ જ મહત્વનો છે તેમજ સુરક્ષા માટે પણ ખુબ મહત્વનો છે. આ નેશનલ હાઈવે સૈન્ય હેરફેર તથા સૈન્ય માંટે જરૂરી સાધનસામગ્રી તથા સહાય માટે ખુબ ઉપયોગી છે. કારગિલ શ્રીનગર થી 205 કિલોમીટર દુર છે. કારગિલમાં આ નેશનલ હાઈવેની બાજુમાં ઉંચા પર્વતો આવેલા છે. આ પર્વતો પર ભારતની સૈન્ય ચોકીઓ આવેલી છે. આ ચોકીઓ પરથી નેશનલ હાઈવે પર પણ નજર રાખી શકાય છે. આ કારગિલ વિસ્તાર આબોહવાની દ્રષ્ટિએ પણ ખુબ વિષમ છે. અંહી ઉનાળામાં પણ ખુબ જ ઠંડી પડે છે. શિયાળામાં તો અંહી માઈનસ 45 અંશ સેલ્શિયસ જેટલું તાપમાન હોય છે. આ કારગિલ વિસ્તારમાં વસતા લોકો પશુપાલન કરે છે.
ઈ.સ.1947 માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું. આ વિભાજન સમયે કારગિલ લદ્દાખનો એક તાલુકો હતો. ઈ.સ. 1947 માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નિયંત્રણ રેખા આંકવામાં આવી હતી. જેને એલ.ઓ.સી (LOC - line of control) કહે છે.આ યુદ્ધ બાદ લદ્દાખનો કેટલોક ભાગ પાકિસ્તાનના કબ્જા હેઠળ હતો. આ કારગિલ વિસ્તારમાં અલગ અલગ વંશ, ધાર્મિક જુથો, વિવિધ ભાષાઓ બોલતા લોકો રહે છે. ઈ.સ.1971 ના યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર કરવામાં આવ્યા. આ કરાર વખતે બન્ને દેશોએ નિયંત્રણ રેખાનું પાલન કરવાનું તથા સશસ્ત્ર સંઘર્ષ ન કરવાનું વચન આપ્યું હતું, છતાં આ નિયમોનું પાકિસ્તાન દ્વારા વારંવાર ઉલંઘન થતું આવ્યું છે.
ઈ.સ.1998/99 માં શિયાળામાં પાકિસ્તાની લોકોને સશસ્ત્ર તાલીમ આપી હતી. આવા સશસ્ત્ર તાલીમ આપેલા લોકો, સૈનિકો તથા અર્ધલશ્કરી દળોને ભારતની સીમામાં ઘુસાડવામાં આવ્યા. પાકિસ્તાને આ લડત માટે કાશ્મીર વિદ્રોહીઓ ને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોની પાસેથી પાકિસ્તાની અર્ધસૈનિક દળોના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ પાકિસ્તાની અર્ધસૈનિક દળનો વડો અશરફ રશીદ હતો. આ પાકિસ્તાની ઘુસણખોરોએ કારગિલ વિસ્તારની ટેકરીઓ પર આવેલી ભારતીય સૈન્યની ખાલી ચોકીઓ પર કબ્જો જમાવ્યો હતો. આ ચોકીઓ ખુબ ઉંચાઇ પર હતી. આ ચોકીઓ પરથી નેશનલ હાઈવે નંબર 1 સ્પષ્ટ જોઈ શકાય છે.
કારગિલમાં આવેલા નેશનલ હાઈવે નંબર 1 ની બાજુમાં આવેલી પર્વતમાળા લગભગ 160 કિલોમીટર જેટલી લાંબી છે. આ પર્વતમાળા પર ભારતની સૈન્ય ચોકીઓ આવેલી છે. જે દરેક સૈન્ય ચોકીઓની ઉંચાઇ લગભગ 5000 ફુટ જેટલી છે. પાકિસ્તાની અર્ધસૈનિક દળોએ તથા તાલીમ આપેલા ઘુસણખોરોએ ભારતની આ ખાલી ચોકીઓ પર કબ્જો જમાવી દીધો હતો. આ ચોકીઓ સંરક્ષણની દ્રષ્ટિએ ભારતની માટે ખુબ જરુરી હતી. આ ચોકીઓ પરની કબ્જાની માહિતી ત્યાંના સ્થાનિક પશુપાલકો એ ભારતના સૈન્યને આપી હતી. ત્યારબાદ ચોકીઓના પેટ્રોલિંગ માટે સૌરભ કાલિયાની ટીમને મોકલવામાં આવી હતી. આ ટીમે ઘુસણખોરોની માહિતીનો પર્દાફાશ કર્યો હતો. આ ચોકીઓ પરત મેળવવા માટે ભારતીય સૈન્યને પર્વતીય યુદ્ધ કરવાનું હતું, જે થોડુ મુશ્કેલ હતુ કારણ કે દુશ્મનો ઉંચાઇ પર હતા, જયારે ભારતીય સૈન્ય નીચાણવાળા વિસ્તારમાં હતું. આ વિસ્તાર ઘુસણખોરોએ પસંદ કર્યો તેની પાછળનું કારણ પણ આ જ હતું. ઘુસણખોરો ઉચાઈ પરથી ભારતીય સૈન્યની હીલચાલ સ્પષ્ટ જોઈ શકતા હતા, જ્યારે ભારતીય સૈન્ય માંટે ઉપર કેટલા સૈનિકો તેની પણ માહિતી નહોતી.
આ કારગિલ યુદ્ધમાં ભારતીય સૈન્ય ઉપરાંત ભારતીય વાયુસેનાએ પણ ભાગ લીધો હતો તથા નૌકાદળે પણ ભાગ લઈ દરિયા સીમામાં રહેલા કરાંચી બંદરનો ઘેરાવો કરીને સપ્લાય ચેઇન તોડી હતી. જેથી પાકિસ્તાનને બહારથી કોઈ મદદ મળી ન શકે. આ નૌકાદળના ઘેરાવાને કારણે પાકિસ્તાન પાસે માત્ર આઠ દિવસ ચાલે તેટલો જ ઉર્જા પુરવઠો રહ્યો હતો.
ભારતીય વાયુસેના, ભારતીય સૈન્ય તથા ભારતીય નૌકાદળના અદમ્ય સાહસથી ભારતનો વિજય થયો તથા પાકિસ્તાની ઘુસણખોરોને પરાસ્ત કર્યા. ઘુસણખોરોએ કબ્જે કરેલી તમામ ચોકીઓ ભારતે પરત મેળવી ઓપરેશન વિજય ને સફળ બનાવ્યું.
ઓપરેશન વિજયની તારીખ પ્રમાણે માહિતી (Date-wise information on Operation Vijay):
3 મે ના રોજ પશુપાલકો દ્વારા ભારતીય સૈન્યને ઘૂસણખોરો અંગેની માહિતી આપી.
5 મે ના રોજ ભારતીય સૈન્યની ટીમ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી. તેમાં ભારતીય સૈનિકોને બંદી બનાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. 5 મેના રોજ સૌરભ કાલિયા સહિત 6 જવાનો ત્યાં પહોચ્યા હતા. તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, જેથી યુદ્ધની શરૂઆત થઈ હતી.
9 મે ના રોજ પાકિસ્તાની સૈન્ય દ્વારા ભારે તોપમારામાં કારગિલ ખાતેના દારુગોળના ભંડારને ભારે નુકશાન થયું હતું.
10 મે ના રોજ કાશ્મીર ના દ્રાસ, કામ્સર અને મુશ્કોહ ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હતી.
મે મહિનાની મધ્યે ભારતીય સેનાએ કાશ્મીર ખીણથી વધુ સૈનિકો કારગિલ ખાતે રવાના કર્યા હતા.
26 મે ભારતીય વાયુસેનાએ ઘુસણખોરો પર હવાઈ હુમલો કર્યો હતો.
27 મે એ ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ થયા. જેમા એક મીગ 27 અને બીજુ વિમાન મિગ 21 હતું. જે પાકિસ્તાની સૈન્ય દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં ફ્લાઇટ લેફ્ટનન્ટ કબામ્પતિ નચિકેતાને યુદ્ધ કેદી તરીકે બંદી બનાવવામાં આવ્યા હતા.
28 મે ના રોજ ભારતીય વાયુસેનાનું એમ-17 હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું હતું.
1 જુનના રોજ પાકિસ્તાની દ્વારા હુમલા વધારવામાં આવ્યા. જે દરમિયાન નેશનલ હાઈવે નંબર 1 પર તોપગોળા દાગવામા આવ્યા હતા.
5 જૂનના રોજ ભારતીય સેનાએ ત્રણ દસ્તાવેજો પ્રકાશિત કર્યા હતા. જેમાં પાકિસ્તાની સેનાની સંડોવણી હોવાનું સ્પષ્ટ પુરવાર થતું હતું.
6 જુનના રોજ ભારતીય સેનાએ મોટા આક્રમણની તૈયારી શરૂ કરી હતી.
9 જુનના રોજ ભારતીય સેનાએ બટાલિક ક્ષેત્રના બે મુખ્ય શિખરો ફરી કબજે કર્યા હતા.
11 જુનના રોજ ભારતે ઓડિયો ક્લિપ જાહેર કરી. જેમાં પાકિસ્તાની સેનાની સંડોવણી હોવાની સ્પષ્ટ પુરવાર થતું હતું. આ વાતચીત પાકિસ્તાની આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફ અને ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ અઝીઝ ખાન વચ્ચે થઈ હતી.
13 જુને ભારતીય સેનાએ દ્રાસ ખાતેનું તોલોલિંગ કબ્જે કર્યું હતું.
15 જુનના રોજ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને યુ.એસ પ્રેસિડેન્ટ દ્વારા ટેલિફોનિક વાતચીત દ્વારા કારગિલ છોડવા માટેનું ફરજ પાડી હતી.
29 જુને પાકિસ્તાની સેનાની ખાધ્ય સામગ્રી અને શસ્ત્રોની સપ્લાય ચેન તેના વડાપ્રધાન ખુદે કાપી નાખી. જેથી ઘુસણખોરોને મુશ્કેલીઓ ઉભી થઈ હતી.
ભારતીય સેના ટાઈગર હીલ તરફ આગળ વધી.
2 જુલાઈ એ ભારતીય સેનાએ ત્રિપક્ષીય હુમલો કર્યો હતો.
ભારતીય વાયુ સેનાએ ભુમીસેનાને સહયોગ કરવા માટે "ઓપરેશન સફેદ સાગર" શરુ કર્યું હતું. જેમાં ભારતીય વાયુસેના પર નિયંત્રણ પણ હતા. જેમ કે કોઈપણ સંજોગોમાં LOC (line of control) પાર ન કરવી. આ યુદ્ધ ખુબ ઉંચાઇ પર લડાઈ રહ્યુ હતું એટલે હવા પણ પાતળી હતી, જેથી વિમાનોની બોજવહન ક્ષમતા પણ ઘટાડો જોવા મળતો હતો. વિમાનો નીચે ઉડી રહ્યા હતા, જેથી પાકિસ્તાની ઘુસણખોરો વિમાનોને સરળતાથી ટાર્ગેટ કરી શકતા હતા. આવી પરિસ્થિતિ હોવા છતાં ભારતીય વાયુસેના એ પોતાની તાકતનો પરચો બતાવ્યો હતો.
ભારતીય નૌસેના એ "ઓપરેશન તલવાર" શરૂ કર્યું હતું. ઓપરેશન તલવાર અંતર્ગત ભારતીય નૌસેના એ દરિયાઈ સપ્લાય કાપી નાખવા માટે પાકિસ્તાની બંદરોની નાકાબંધી કરી હતી. ભારતે પાકિસ્તાનને દરિયાઈ વેપાર કાપી નાખવાની ધમકી આપી. પાકિસ્તાનની દરિયાઈ માર્ગે તેલની આવનજાવન નાજુક સ્થિતિમાં મુકાઈ ગઈ. જો ફુલ યુદ્ધ ફાટી નીકળે તો પાકિસ્તાનને ટકાવી રાખવા માટે 6 દિવસ ચાલે તેટલું જ ઈંધણ બાકી રહ્યુ હતું.
4 જુલાઈ એ ભારતીય સૈન્યની 11 કલાકની લડાઈ બાદ ટાઈગર હીલ પર કબ્જો કર્યો હતો.
5 જુલાઈએ ભારતીય સૈન્યએ દ્રાસ સર કર્યુ હતું. પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે બિલ ક્લિન્ટન સાથે મુલાકાત કરી તથા પાકિસ્તાની સૈન્યને વાપસીની ઘોષણા કરી હતી.
7 જુલાઈના રોજ ભારતીય સેનાએ બટાલિકમા જુબાર હાઈટ્સ પર કબજો કર્યો હતો.
11 જુલાઈએ પાકિસ્તાની સેનાએ વાપસી શરુ કરી. બટાલિકમા ભારતીય સેનાએ મુખ્ય શિખરો સર કર્યા હતા.
14 જુલાઈએ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઓપરેશન વિજયને સફળ જાહેર કર્યું હતું.
ભારતીય સરકારે પાકિસ્તાની સાથે વાતચીતની શરતો નક્કી કરી.
26 જુલાઈએ સત્તાવાર રીતે સંઘર્ષનો અંત આવ્યો હતો. આ દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આમ, જોવા જઈએ તો કારગિલ યુદ્ધને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. પ્રથમ તબક્કામાં પાકિસ્તાની ઘુસણખોરો તથા પાકિસ્તાની અર્ધ સૈનિકદળો ભારતીય સીમામાં ઘુસી આવ્યા.જેને કારણે પાકિસ્તાની ઘુસણખોરો વ્યુહાત્મક રીતે સારી પોઝીશન પર આવી ગયા તથા નેશનલ હાઈવે નંબર 1 ફાયરની રેન્જમા આવી ગયો. બીજા તબક્કામાં ભારતીય સેના દ્વારા તેમને જડબાતોડ જવાબ આપવા માટે સૈન્યનું એકત્રીત કરવામાં આવ્યું. ત્રીજા તબક્કામાં ભારતીય સેના અને પાકિસ્તાની સેના વચ્ચે ની મોટી લડાઈઓનો સમાવેશ થાય. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાની સેનાએ પીછેહઠ કરવી પડી. ભારતીય સરકાર દ્વારા પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાવ ઉભો કરવામાં આવ્યો હતો.
શરુંઆતમાં ઘણા કારણોને લીધે ઘુસણખોરો વિશે માહિતી નહોતી મળી. અમુક વિસ્તારમાં ભારતીય સેના દ્વારા ચોકીયાત ટુકડી મોકલવામાં આવી નહોતી તો અમુક વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા ભીષણ તોપમારો કરીને ઘુસણખોરો ને રક્ષણ પુરુ પાડ્યું હતું. મોટાભાગની ઘુસણખોરી એપ્રિલ મહિનામાં થઈ હતી. આ ઘુસણખોરોમા પાકિસ્તાની સ્પેશિયલ સર્વિસ ગૃપનાં જવાનો તથા પાકિસ્તાની અર્ધ લશ્કરી દળો હતા. આમાની સાતેક જેટલી બટાલિયનો છુપી રીતે ભારતીય સીમામાં ઘુસીને 134 જેટલા અનુકુળ સ્થળો પર બેઝ સ્થાપિત કર્યા હતા.
શરુંઆતમા ભારતીય સૈન્યને ઘુસણખોરોની સંખ્યા અંગે માહિતી નહોતી. ભારતીય સૈન્યએ માન્યું હતું કે કદાચ જિહાદીઓ હશે. તેમને તો હાંકી કાઢીશું.પરંતુ બાદમાં ભારતીય સૈન્યને ખ્યાલ આવ્યો કે તે એક અલગ રણનીતિ સાથે આવેલા છે, તે મોટી લડાઈને અંજામ આપવા માગે છે. જેથી ભારત સરકાર દ્વારા ઓપરેશન વિજય શરુ કરવામાં આવ્યું હતું. ઓપરેશન વિજય અંતર્ગત બે લાખ સૈનિકોને એકત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ ભૌગોલિક પરિસ્થિતિને કારણે મોટા ભાગના ઓપરેશન મોકુફ રાખવામાં આવ્યા હતા. જેથી 20000 જેટલા સૈનિકોએ કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો તથા અર્ધ સૈનિક દળોએ ભાગ લીધો હતો. આ કારગિલ યુદ્ધ મોટા ભાગે બટાલિયન કે બ્રિગેડિયર સ્તર સુધી જ રહ્યું હતું. ઘુસણખોરોની સંખ્યા લગભગ 5000 જેટલી હશે એવુ માનવામાં આવે છે.
આમ, ભારતીય સેનાએ પર્વતીય ક્ષેત્રના યુદ્ધમાં પણ પોતાનું અદમ્ય સાહસ બતાવીને કારગિલ યુદ્ધમાં ભારતને વિજય અપાવ્યો હતો. આમ, આ યુદ્ધમાં વિજય બાદ ૨૬ જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.
FAQs:
કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.
કારગિલ યુદ્ધ ક્યારે થયું હતું?
કારગિલ યુદ્ધ ઈ.સ. 1999 માં થયુ હતુ.
0 Comments