ગિર નેશનલ પાર્ક || ગિર અભ્યારણ વિશે સંપૂર્ણ માહિતી || સાસણ ગિર || ગિરનુ જંગલ || દેવળીયા સફારી પાર્ક || સિંહ દર્શન || gir national park
ગિર નેશનલ પાર્ક દેશ વિદેશનાં પર્યટકોનું મનગમતું સ્થળ છે. ગિર નેશનલ પાર્કમાં ઘણા લોકો સિંહ દર્શન માટે આવતા હોય છે. અંહી ગિર નેશનલ પાર્ક વિશે ઘણી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે જે માહિતી તમને ચોક્કસ ગમશે. શક્ય હોય તેટલી તમામ કાળજી રાખી આ લેખ લખવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ કોઈ ભૂલ હોય તો કોમેન્ટ જરુંર કરજો. ગિર નેશનલ પાર્ક વિશેની માહિતી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોને ખુબ જ ઉપયોગી સાબિત થશે. વાચકવર્ગના જ્ઞાનમાં વૃદ્ધિ થશે.
ગિર અભ્યારણ વિશે સંપૂર્ણ માહિતી (Complete information about Gir Sanctuary) :
ગિર નામ સાંભળતાં જ મનમાં સિંહ વિશે વિચારો આવે તે સ્વાભાવિક છે કેમકે ગિરનુ નામ જ સિંહ સાથે જોડાયેલુ છે. દિનપ્રતિદિન સિંહની વસ્તી ઘટી રહી છે. સિંહ એ ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી છે. ગિર એ એશિયાટિક લાયન માટે જાણીતું છે. એશિયાભરમાં સિંહ માત્ર ગુજરાત રાજ્યમાં જ જોવા મળે છે. સિંહ એ ગુજરાતનું ગૌરવ છે. પહેલા સિંહ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું. ત્યારબાદ વાઘને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળ્યો.
વિશ્વ સ્તરે સિંહની જાળવણી માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાત એશિયાટિક લાયન માટે પુરા વિશ્વમાં જાણીતું છે. ગીરમાં સિંહની જાળવણી તથા સંવર્ધન માટે ગુજરાત સરકાર ખુબ જ સંવેદનશીલ છે તથા કટીબદ્ધ પણ છે. આવા પ્રયાસો થકી ગુજરાતમાં સિંહની સંખ્યા વધી રહી છે. જે ગૌરવની બાબત છે.
સિંહની વસ્તી ગણતરી(Lion census):
સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. સિંહની વસ્તી ગણતરી કરવા માટે તેના પગના પંજાની છાપ ઉપયોગમાં લેવામાં આવતી હતી. તેની છાપને આધારે ગણતરી થતી. ત્યારબાદ સિંહને જીવતા પ્રાણીના મારણની લાલચ આપીને ગણતરી કરવામાં આવતી હતી. હાઈકોર્ટે આ પદ્ધતિ વાપરવાની મનાઈ ફરમાવી. ત્યારબાદ જંગલ વિભાગના કર્મચારીઓ તથા સ્વયંસેવકોની મદદથી સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે આંખે જોયેલા સિંહની ગણતરી છે.
ક્રમ | સિંહ ગણતરીનું વર્ષ | સિંહની સંખ્યા |
---|---|---|
1 | ઈ.સ.1968 | 177 |
2 | ઈ.સ.1974 | 180 |
3 | ઈ.સ.1979 | 205 |
4 | ઈ.સ.1984 | 239 |
5 | ઈ.સ.1990 | 284 |
6 | ઈ.સ.1995 | 304 |
7 | ઈ.સ.2000 | 327 |
8 | ઈ.સ.2005 | 359 |
9 | ઈ.સ.2010 | 411 |
10 | ઈ.સ.2015 | 523 |
11 | ઈ.સ.2020 | 674 |
સિંહની જાળવણી તથા સંવર્ધન માટે ગુજરાતમાં ગિર નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી છે. ગિર નેશનલ પાર્ક વિશે માહિતી નીચે પ્રમાણે છે.
ગિર નેશનલ પાર્ક ( Gir national park) :
ગિર નેશનલ પાર્કને "ગીરનું જંગલ " કે "સાસણ ગીર" તરીકે પણ ઓળખવામાં આવે છે. ગિર નેશનલ પાર્કની સ્થાપના ઈ.સ.1965 માં કરવામાં આવી હતી. ગિર નેશનલ પાર્કનું કુલ ક્ષેત્રફળ 1412 ચો.કિમી છે. જેમાં 258 ચો.કિમી રાષ્ટ્રીય ઉદ્યાન છે. 1153 ચો.કિમી અભ્યારણનો સમાવેશ થાય છે. પાનીયા અને મિતીયાલા વન્યજીવ અભ્યારણ પણ ગિરના જંગલનો જ એક ભાગ છે.
ગિરના જંગલમાં વૈવિધ્યસભર પ્રાણીસૃષ્ટિ તથા વૈવિધ્યસભર વનસ્પતિસૃષ્ટિ જોવા મળે છે. ગિરના જંગલ માટે વન વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વૈચ્છિક કાર્યકર્તાઓ પણ સતત પ્રયત્નશીલ છે. ગિરમાં સિંહના રક્ષણ માટે પહેલ જુનાગઢના નવાબ દ્વારા ઈ.સ.1900 માં કરવામાં આવી હતી. જુનાગઢના નવાબ દ્વારા સિંહોને રક્ષિત જાહેર કરવામાં આવ્યા હતા. જુનાગઢમાં એક સમયે સિંહની વસ્તી માત્ર 15 જેટલી જ રહી હતી. જે ઈ.સ.2015 ની વસ્તી ગણતરી મુજબ સિંહની વસ્તી વધીને 523 થઈ.
ગીર વિસ્તારમાં સાંગાવાડી, મછુન્દ્રી, રૂપેણ, રાવલ, હીરણ, શેત્રુંજી જેવી નદીઓ પણ આવેલી છે. આ ઉપરાંત વિવિધ નદી પર બંધ પણ બાંધવામાં આવ્યા છે. રાવલ, મછુન્દ્રી, હિરણ તથા શિંગવડો નદી પર બંધ બાંધવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટુ જળાશય કમલેશ્વર બંધ છે. જેને ગિરની જીવાદોરી પણ ગણી શકાય. આ બંધોમા રહેલુ પાણી પ્રાણીઓ માટે પીવાના પાણીનો સ્ત્રોત છે.
ગિરના જંગલમાં સિંહ ઉપરાંત અન્ય વન્યપ્રાણીઓ પણ જોવા મળે છે. જેમાં 2375 જેટલી પ્રાણી પ્રજાતીઓ પણ જોવા મળે છે. જેમાં 39 પ્રકારનાં સસ્તન પ્રાણીઓ છે. 300 કરતાં વધુ પ્રજાતીના પક્ષીઓ પણ જોવા મળે છે. 37 પ્રકારનાં સરીસૃપો પણ જોવા મળે છે. 2000 થી વધુ પ્રકારનાં કીટકો જોવા મળે છે.
ગિરના જંગલમાં એશિયાઈ સિંહ, દીપડો, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, રતેલ, નોળિયો, રણ બિલાડી, ચિતળ, રોઝ,સાબર, ચોસિંગા, જંગલી ડુક્કર, ચિંકારા, સસલાં, શાહુડી, કીડીખાઉ જેવા પ્રાણીઓ જોવા મળે છે.
ગિરના જંગલમાં ઘણી નદીઓ, જળાશયો તથા બંધો આવેલા હોવાથી જળચર જીવો પણ જોવા મળે છે. મગર, તારક કાચબા તથા જળ ઘો જેવા જળચર જીવો જોવા મળે છે. જેમાં મગર સૌથી વધારે જોવા મળે છે. ગિરના સંરક્ષિત ક્ષેત્રમાં જેટલી મગરો જોવા મળે છે તેટલી મગર ભારતનાં અન્ય સંરક્ષિત ક્ષેત્રમાં જોવા મળે છે. ગુજરાતના જંગલ વિભાગે ઈ.સ.1977 માં ભારતીય મગર સંવર્ધન યોજનામાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાત ગીર સંવર્ધન ક્ષેત્રએ 1000 જેટલી મગરો ઉછેર કરીને ગીરના વિવિધ જળાશયોમાં મુકી હતી.
ગીરના જંગલમાં વિવિધ પ્રકારના સાપ પણ જોવા મળે છે. ગીરના જંગલમાં અજગર પણ જોવા મળે છે. ગીરના જંગલમાં વિવિધ પ્રકારની 300 પ્રજાતિના પક્ષીઓ પણ જોવા મળે છે. ગિર માં 6 પ્રકારની ગીધની પ્રજાતિઓ પણ જોવા મળે છે.
પહેલા દુનિયાના ઘણા દેશોમાં સિંહ જોવા મળતા હતા પરંતુ હવે આ સિંહ અમુક દેશો પુરતા સિમિત થઈ ગયા છે. એશિયામાં માત્ર એશિયાટિક લાયન માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. વિવિધ કારણોને લીધે સિંહની વસ્તી ઘટતી જોવા મળે છે. જેમાં શિકારને લીધે, જંગલી પ્રાણીઓને ઝેરી દવા ખવડાવીને, પુરના કારણે, આગને કારણે તથા જંગલોનાં નાશને કારણે આજે સિંહની વસ્તી ઘટી રહી છે.
એશિયાઈ સિંહની વસ્તી વધારવા માટે જુનાગઢના સક્કરબાગ ખાતે પ્રાણી સંવર્ધન કેન્દ્ર આવેલું છે. જેમાં કૃત્રિમ બીજદાન જેવી પધ્ધતિનો ઉપયોગ કરી સિંહની વસ્તી વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ગીરના જંગલમાં પ્રવાસીઓ માટે કોઈ જગ્યા અંકિત કરેલી નથી. પરંતુ પ્રવાસીઓને પ્રાણીઓથી માહિતગાર કરવા માટે દેવળીયા પાસે એક ગીર પરિચય વિભાગ બનાવવામાં આવ્યો છે. જ્યાં મર્યાદિત સંખ્યામાં નિર્ધારિત માર્ગ પર પ્રવાસીઓને જવાની પરવાનગી આપવામાં આવે છે.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણના મુલાકાતીઓ માટે સિંહ સદન નામે એક અતિ આધુનિક ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે વન ખાતા તરફથી એક માહિતી કેન્દ્ર ચલાવવામાં આવે છે. અંહી સિંહ સદનથી જીપ સફારી ભાડે મેળવી ગાઈડ સાથે સિંહ દર્શન માટે જઈ શકાય છે. આ સિંહ દર્શન માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે તે સમયે જઈ શકાય છે. સિંહ દર્શન માટે 8 રૂટ પણ નક્કી કરવામાં આવ્યા છે. તે રૂટ પર જઈ શકાય છે. એક રૂટ પર બે કલાકની પરવાનગી મળે છે.
સિંહ દર્શન માટે તમે જાઓ તો તેના માટે અલગ અલગ દિવસના અલગ અલગ ચાર્જ હોય છે. તહેવારોના દિવસો તથા શનિવારે અને રવિવારે આ ચાર્જ વધુ ચુકવવો પડી શકે છે. દેશના તથા વિદેશી પર્યટકો માટે આ ચાર્જ અલગ હોય છે. વિદેશી પર્યટકો પાસેથી વધુ ચાર્જ લેવામાં આવે છે.
ગીર નેશનલ પાર્ક મધ્ય ઓક્ટોબરથી જૂન સુધી ખુલ્લું રહે છે. સૌથી વધુ અનુકૂળ સમય સવારનો હોય છે. આ સવારનાં સમયે સૌથી વધુ સિંહ સક્રિય હોય છે. જેથી સિંહ દર્શન થઈ શકે. આ સિવાયના સમયે સિંહ આરામમાં હોય છે.
FAQs:
ગિર નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી?
ગિર નેશનલ પાર્કની સ્થાપના ઈ.સ.1965 માં થઈ હતી.
સિંહ દર્શન માટેનો સૌથી સારો સમય ક્યો છે?
ગીર નેશનલ પાર્ક મધ્ય ઓક્ટોબરથી જૂન સુધી ખુલ્લું રહે છે. સૌથી વધુ અનુકૂળ સમય સવારનો હોય છે. આ સવારનાં સમયે સૌથી વધુ સિંહ સક્રિય હોય છે. જેથી સિંહ દર્શન થઈ શકે. આ સિવાયના સમયે સિંહ આરામમાં હોય છે.
0 Comments