રેશનકાર્ડ || ration card

રેશનકાર્ડ || ration card || બારકોડેડ કુપન || રેશનકાર્ડમાં નામ ઉમેરવા શું કરવું? || રેશનકાર્ડ માટે જરૂરી પુરાવા

રેશનકાર્ડ એ વાજબી ભાવની દુકાનેથી અનાજ મેળવવા માટેનું અગત્યનો દસ્તાવેજ છે. રેશનકાર્ડ અંગે લોકોમાં ધણા પ્રશ્નો જોવા મળે છે જેમ કે રેશનકાર્ડ નવુ કેવી રીતે બનાવવું? રેશનકાર્ડમાં નવું નામ કેવી રીતે દાખલ કરવું? રેશનકાર્ડમાંથી નામ કમી કેવી રીતે કરવું? રેશનકાર્ડમાંથી બીજુ અલગ રેશનકાર્ડ કેવી રીતે બનાવવું? રેશનકાર્ડ માટેના દસ્તાવેજો વગેરે જેવા ઘણા પ્રશ્નો લોકોના મનમાં હોય છે. તો લોકોને માહિતી મળી રહે તે માટે આ પોસ્ટ લખી રહ્યો છું. આ પોસ્ટ તમને ઘણી જ મદદરૂપ થશે. આ પોસ્ટ શક્ય તેટલી તમામ કાળજી રાખીને લખી છે, છતાં પણ જો કોઈ ભુલ અથવા ક્ષતિ રહી ગઈ હોય તો કોમેન્ટ કરજો, જેથી ભુલ સુધારી ક્ષતિરહિત માહિતી પુરી પાડી શકાય.

રેશનકાર્ડ || Ration card


ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા લોકોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. પહેલા રેશનકાર્ડ હતા તેમાં ઘણા સુધારા કરી નવા રેશનકાર્ડ આવ્યા છે. આ રેશનકાર્ડ કાર્ડને બારકોડેડ રેશનકાર્ડ કહે છે. આ રેશનકાર્ડમાં કુટુંબના સભ્યોની વિગતો હોય છે. હાલ આ રેશનકાર્ડમાં આધાર નંબર, ફિંગરપ્રિન્ટ વગેરે જેવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રેશનકાર્ડમાં કુટુંબના સભ્યોના નામ, તેમની સાથેનો સંબંધ, ઉંમર વગેરે દર્શાવેલું હોય છે. ઘણીવાર લોકો પોતાની ઓળખના રુપે રેશનકાર્ડની નકલનો ઉપયોગ કરતા હોય છે. આથી રેશનકાર્ડ પુરાવા તરીકે પણ ઉપયોગી છે.

રેશનકાર્ડના પણ પ્રકાર હોય છે. જેવા કે એ.પી.એલ, બી.પી.એલ. વગેરે. આ રેશનકાર્ડ પ્રમાણે અનાજનો જથ્થો તથા જરૂરી ખાદ્યસામગ્રી અને કેરોસીન ફાળવવામાં આવે છે. રેશનકાર્ડમાં રહેલા સભ્યો પ્રમાણે ખાદ્યસામગ્રી તથા કેરોસીનનું વિતરણ કરવામાં આવે છે.

સસ્તા અનાજની દુકાન:

રાજ્યમાં રહેલા ગરીબોની અન્નની સલામતી માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અન્નનું વિતરણ વિવિધ એજન્સીઓની મદદથી કરવામાં આવે છે. નાગરિકોને અન્નનો પુરવઠો માસિક ધોરણે નિયમિત રીતે મળતો રહે તે માટે અન્ન વિતરણ માટે વસ્તીના ધોરણે સસ્તા અનાજની દુકાન શરૂ કરવામાં આવી છે. અન્ન અને પુરવઠા વિભાગ વિતરણ વ્યવસ્થા પર મોનિટરિંગ પણ કરે છે. અન્ન અને નાગરિક પુરવઠાની રાજ્ય કક્ષાની કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે.

રેશનકાર્ડના પ્રકાર:

રેશનકાર્ડના પ્રકાર છે તે નીચે મુજબ છે.

બી.પી.એલ. રેશનકાર્ડ

અંત્યોદય અન્ન યોજના રેશનકાર્ડ (એ.એ.વાય)

આ રેશનકાર્ડને કોડ પ્રમાણે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. જે નીચે પ્રમાણે છે.

(૧) એ.પી.એલ-૧

(૨) એ.પી.એલ-૨

(૩) બી.પી.એલ

(૪) એ.એ.વાય

વિતરણની વ્યવસ્થા:

વાજબી ભાવની દુકાનને લાયસન્સ આપવાની કામગીરી કલેકટરશ્રી તથા મામલતદારશ્રી કરતાં હોય છે. અન્નના વિતરણ માટે શહેરી કક્ષાએ વસ્તીના ધોરણે વોર્ડ પ્રમાણે વાજબી ભાવની દુકાન હોય છે. ગ્રામ્ય કક્ષાએ વસ્તીના ધોરણે વાજબી ભાવની દુકાન હોય છે. વાજબી ભાવની દુકાનના સંચાલકની પસંદગીની કાર્યવાહી સલાહકાર સમિતિની ભલામણને આધારે કરવામાં આવે છે.

આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ માટે ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વ્યવસ્થા મંત્રાલય દ્વારા વાર્ષિક કે માસિક ધોરણે અનાજ અને ખાંડની ફાળવણી કરવામાં આવે છે તથા પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા વાર્ષિક કે માસિક ધોરણે કેરોસીનની ફાળવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ, રેશનકાર્ડના સભ્યો તથા રેશનકાર્ડના પ્રકારને ધ્યાનમાં રાખીને જીલ્લાને સપ્રમાણ રીતે આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવે છે. જિલ્લામાં નિમાયેલા જિલ્લા પુરવઠા અધિકારી શહેરમાં તથા તાલુકામાં સપ્રમાણ રીતે આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરે છે. તાલુકામાં રહેલ મામલતદારશ્રી વાજબી ભાવની દુકાનના સંચાલકોને પરમીટ પ્રમાણે ગુજરાત સરકારના પુરવઠાના ગોડાઉનમાંથી આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો મેળવી ચીજવસ્તુઓનું નક્કી કરેલા ભાવ લઈ વિતરણ કરે છે.

તકેદારી સમિતિ:

વાજબી ભાવની દુકાનના વિસ્તાર દીઠ ગ્રામ્ય કક્ષાએ તથા શહેરી કક્ષાએ તકેદારી સમિતિની નિમણૂંક કરવામાં આવે છે. આ તકેદારી સમિતિમાં ગ્રામ પંચાયતના મહિલા સભ્ય, સરપંચ, તલાટી તથા ગરીબી રેખા નીચેનું રેશનકાર્ડ ધરાવતા બે કાર્ડ ધારકો હોય છે. જે આવશ્યક ચીજવસ્તુઓની આવક તથા વાજબી ભાવની દુકાન ખાતે સ્ટોક રજીસ્ટર અને વેચાણ રજીસ્ટર વગેરેની ચકાસણી કરવાની હોય છે.

તકેદારી સમિતિઓ જો કોઈ જોગવાઈનું પાલન ન થતું હોય તો ફરિયાદ પુરવઠા અધિકારી રે મામલતદારશ્રીને કરી શકે છે. પુરવઠા અધિકારી કે મામલતદારશ્રી ફરિયાદના કિસ્સામાં તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે છે. જો કોઈ જોગવાઈનો ભંગ થતો જણાય તો જથ્થો સીઝ કરીને પગલાં લેવામાં આવે છે. જો ગંભીર ગુનો જણાય તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે તથા કાળા બજાર નિવારક ધારા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે છે.

નવું રેશનકાર્ડ (બારકોડેડ રેશનકાર્ડ) કઈ રીતે મેળવવું?

રાજ્યની અંદર વસવાટ કરતા તમામ નાગરિકોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. નવું રેશનકાર્ડ મેળવવા માટે કુટુંબના વડાએ નિયત નમૂનાનું ફોર્મ ભરી તેમના વિસ્તારનાં તાલુકા મામલતદાર કચેરીએ જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની હોય છે. મામલતદારશ્રી અરજીની ચકાસણી કરી અને જરૂર પડે તો સ્થળ તપાસ કરીને કાર્ડની કેટેગરી નક્કી કરે છે. કુટુંબના વડા તથા સભ્યોનાં ફોટા તથા બાયોમેટ્રિક મેળવે છે.

નવા રેશનકાર્ડ માટે જરૂરી પુરાવા:

જે લોકો પાસે એકપણ પ્રકારનું રેશનકાર્ડ નથી તથા ઘણા સમયથી ગુજરાતમાં વસવાટ કરે છે તેમના માટે નવું રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરવાની હોય છે ત્યારે પુરાવાની જરૂર પડે છે.

બારકોડેડ કુપન:

બારકોડેડ રેશનકાર્ડ યોજના અન્વયે રેશનકાર્ડ ધારક પોતાની બાયોમેટ્રિક વિગતોને આધારે ઈ-ગ્રામ કે સાયબર કાફેમાં જઈને પોતાના કાર્ડની કેટેગરીને અનુરૂપ બારકોડેડ કુપન મેળવી શકે છે.

આ બારકોડેડ કુપનમાં કાર્ડધારકનું નામ, વાજબી ભાવના દુકાનદારનું નામ, રેશનકાર્ડના સભ્યોની સંખ્યા, મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો તથા કિંમત વગેરે દર્શાવેલું હોય છે. દર મહિને આ કુપન કઢાવવાનું હોય છે. આ કુપનને આધારે સસ્તા અનાજની દુકાનનો સંચાલક જથ્થો ફાળવે છે તથા કુપનમાં લખેલી કિંમત ચુકવવાની હોય છે. આવશ્યક ચીજવસ્તુઓ આપી સસ્તા અનાજની દુકાનનો સંચાલક રેશનકાર્ડમાં તેની નોંધ કરે છે.

રાજ્ય સરકારે આ કુપન માટે 5 રૂપિયા નક્કી કર્યા છે.

ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા માટે શું કરવું?

જ્યારે રેશનકાર્ડ ફાટી જાય, ખોવાઇ જાય કે બળી જાય ત્યારે ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જરૂરી છે. આ ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મનો નમુના નંબર: ૯ ભરીને તાલુકાના A.T.V.T સેન્ટરમાં જમા કરાવવાનું હોય છે. જો શહેરમાં રહેતા હોય તો ઝોનલ કચેરીએ રજુ કરવાનું હોય છે.

નવા બારકોડેડ રેશનકાર્ડની ફી:

રેશનકાર્ડ મેળવવા માટે અલગ અલગ રેશનકાર્ડ માટે અલગ અલગ કિંમત ચુકવવાની હોય છે. જેમાં બી.પી.એલ તથા એ.એ.વાય નવા રેશનકાર્ડ મેળવવા માટે કોઈ ફી ભરવાની હોતી નથી. તે નિ:શુલ્ક હોય છે. પરંતુ જો ડુપ્લિકેટ બી.પી.એલ રેશનકાર્ડ કે એ.એ.વાય રેશનકાર્ડ મેળવવા હોય તો 5 રૂપિયા ચુકવવા પડે છે.

ક્રમ રેશનકાર્ડની કેટેગરી નવા રેશનકાર્ડની ફી ડુપ્લિકેટ રેશનકાર્ડની ફી
એ.પી.એલ-૧ ૨૦ રૂપિયા ૩૦ રૂપિયા
એ.પી.એલ-૨ ૪૦ રૂપિયા ૪૦ રૂપિયા
બી.પી.એલ નિ:શુલ્ક ૫ રૂપિયા
એ.એ.વાય નિ:શુલ્ક ૫ રૂપિયા

રેશનકાર્ડમાંથી નામ કમી કરવા શું કરવું?

સામાન્ય રીતે રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મનો નમુના નંબર: ૪ ભરવાનું હોય છે.

રેશનકાર્ડમાં નામ ઉમેરવા શું કરવું?

જ્યારે કુટુંબના સભ્યોમાં વધારો થાય ત્યારે રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુના નંબર: ૩ ભરવાનું હોય છે.

રેશનકાર્ડના વિભાજન માંટે શું કરવું?

નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે અરજી ફોર્મ નમુના નંબર: ૫ ભરવાનું હોય છે.

નોંધ: ઉપરોક્ત તમામ માહિતી લોકોને ઉપયોગી થવાના ઉદેશ્ય સાથે લખી છે. છતા પણ જરૂર માહિતી માટે તથા ફોર્મ માટે ઓફિસિયલ વેબસાઇટ પર આધાર રાખો.

અગત્યની લિંક:

Post a Comment

0 Comments