ભારતના બાર જ્યોતિર્લિંગ || Twelve Jyotirlingas of India || 12 જયોતિર્લિંગ || 12 જ્યોતિર્લિંગના ઈતિહાસ || History of 12 jyotirlingas || જયોતિર્લિંગ વિશે માહિતી || information about jyotirlingas
ભારતમાં ૧૨ સ્વયંભૂ જ્યોતિર્લિંગ આવેલા છે.આજે આપણે ભારતમાં આવેલા ૧૨ જ્યોતિર્લિંગ વિશે માહિતી મેળવીશું. આ જ્યોતિર્લિંગ વિશેની માહિતી શક્ય તેટલી તમામ કાળજી રાખીને આપી છે. છતાં કોઇ ક્ષતિ કે ભુલ રહી ગઈ હોય તો કોમેન્ટમાં જણાવો, જેથી ભુલ સુધારી શકાય. અહીં તમામ જ્યોતિર્લિંગ વિશેની કથાઓ, દંત કથાઓ તથા પૌરાણિક કથાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. જે તમને ચોક્કસ ગમશે તથા તમારા ધાર્મિક જ્ઞાનમાં વધારો કરશે. આ ભારતના ૧૨જ્યોતિર્લિંગ વિશેની માહિતી તમને વાંચવી ચોક્કસ ગમશે.
ભારતના બાર જ્યોતિર્લિંગ || Twelve Jyotirlingas of India
જ્યોતિર્લિંગ એટલે ભગવાન શંકરનાં એવા લિંગો કે જે જાતે જ સ્વયંભૂ પ્રગટ થયા છે. ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગ આવેલા છે. જે બાર જ્યોતિર્લિંગ નીચે પ્રમાણે છે.
ક્રમ | જ્યોતિર્લિંગનું નામ | સ્થાન | રાજ્ય |
---|---|---|---|
૧ | સોમનાથ | સૌરાષ્ટ્ર | ગુજરાત |
૨ | મલ્લિકાર્જુન | શ્રીશૈલમ | આંધ્રપ્રદેશ |
૩ | મહાકાલેશ્વર | ઉજ્જૈન | મધ્યપ્રદેશ |
૪ | ઓમકારેશ્વર | ઓમકારેશ્વર | મધ્યપ્રદેશ |
૫ | કેદારનાથ | કેદારનાથ | ઉતરાખંડ |
૬ | ભીમાશંકર | ભીમાશંકર | મહારાષ્ટ્ર |
૭ | કાશી વિશ્વનાથ | વારાણસી | ઉતરપ્રદેશ |
૮ | ત્રંબકેશ્વર | ત્રંબકેશ્વર | મહારાષ્ટ્ર |
૯ | નાગેશ્વર | દ્વારકા | ગુજરાત |
૧૦ | વૈદ્યનાથ | દિઓઘર | ઝારખંડ |
૧૧ | રામેશ્વર | રામેશ્વરમ | તમિલનાડુ |
૧૨ | ધૃષ્ણેશ્વર | ઈલોરા | મહારાષ્ટ્ર |
(૧) સોમનાથ જ્યોતિર્લિંગ(somnath jyotirling) :
જ્યોતિર્લિંગની યાત્રામાં સોમનાથને પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. સોમનાથ પોતાનો આગવો ઈતિહાસ ધરાવે છે. સોમનાથ મહાદેવના મંદિરનો ૧૬ વખત નાશ કરવામાં આવ્યો અને ફરી ફરીને તે સોમનાથ મંદિર બન્યું છે. સોમનાથ જ્યોતિર્લિંગ વેરાવળની બાજુમાં આવેલું છે.
સોમનાથ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય:
ચંદ્રના સસરા દક્ષ હતા. ચંદ્રને ૨૭ પત્નિઓ હતી. જે નક્ષત્રો તરીકે ઓળખાય છે. તે તમામ ૨૭ પત્નિઓ દક્ષની પુત્રીઓ હતી. ચંદ્ર તેમની ૨૭ નક્ષત્ર પત્નિઓમાં રોહિણી તેમને વિશેષ પ્રિય હતી. આથી ક્રોધિત થઈ દક્ષે ચંદ્રને ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. દુઃખી થયેલા ચંદ્રએ બ્રહ્માજીની સલાહથી પ્રભાસક્ષેત્રમા જઈ ભગવાન શિવનું તપ કર્યું. તપથી શિવજી પ્રસન્ન થયા. શિવની કૃપાથી ચંદ્રના રોગનું નિવારણ થયું. ઋષિમુનિઓ તથા દેવોની સલાહથી ચંદ્રએ ત્યાં શિવ ભગવાનની પ્રતિષ્ઠા કરી. આ સ્થળ આજે સોમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. સ્વતંત્રતા બાદ ત્યાં નવું શિવમંદિર બનાવવામાં આવ્યું હતું. જે આજે હયાત છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા ત્યાં લાખો શ્રધ્ધાળુઓ આવે છે. શિવજીએ ચંદ્રના ક્ષય રોગનું નિવારણ કર્યું હતું. શિવજી એ ચંદ્ર ને તેમના શ્રાપમાંથી આંશિક છુટકારો આપ્યો હતો.આથી ચંદ્ર ૧૫ દિવસ વધે છે અને ૧૫ દિવસ ચંદ્ર ઘટે છે.આમ, સોમનાથ મહાદેવના દર્શન કરવાથી ક્ષય રોગનું નિવારણ થાય છે.
સોમનાથ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે સૌથી પહેલા ચંદ્રદેવે આ મંદિરનું નિર્માણ સોનાથી કરાવ્યું હતું. ત્યારબાદ રાવણ દ્વારા ચાંદીથી સોમનાથ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું. ત્યારબાદ કૃષ્ણ ભગવાન દ્વારા ચંદન દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું. સોલંકીકાળ દરમિયાન ભીમદેવ સોલંકીએ પથ્થરમાંથી સોમનાથ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું.
સોમનાથ મહાદેવનું મંદિર સૌથી જુનું મંદિર માનવામાં આવે છે. સોમનાથ મહાદેવના મંદિરનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. સોમનાથ મંદિરની સમૃદ્ધિ જોઈ વારંવાર આક્રમણકારીઓ દ્વારા તેને લુટવામા આવ્યું તથા નાશ કરવામાં આવ્યો. છતાં સોમનાથ મહાદેવના મંદિરનું નિર્માણ વારંવાર કરવામાં આવ્યું. આ એ જ દર્શાવે છે કે વિનાશકર્તા કરતાં સર્જનશીલતા મહાન છે.
હાલના મંદિરનું નિર્માણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
સોમનાથ જ્યોતિર્લિંગનો ઈતિહાસ:
ઈ.સ.૬૪૯ ની સાલમાં વલ્લભીવંશના શાસક મૈત્રકે મંદિરનો જીણોર્દ્ધાર કર્યો હતો. તેની જગ્યાએ નવું મંદિર બનાવ્યું હતું. ત્યારબાદ ભોજ પરમારે અંહિ મંદિર બંધાવ્યું હતું. જે મંદિર ૧૩ માળનું હતું. મંદિર ઉપર ૧૪ સોનાના કળશો હતા તથા તેના દ્વાર હીરાજડિત હતા. આ મંદિરની ધજા ઉંચે ફરકતી જોઈ નાવિકો પોતાના વહાણની દિશા નક્કી કરતાં હતા. વલ્લભી સામ્રાજ્યના પતન બાદ આરબ આક્રમણકારીએ સોમનાથના મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫ ની સાલમાં ત્રીજી વખત લાલ રંગના પથ્થરમાંથી સોમનાથ મહાદેવના મંદિરનું નિર્માણ કર્યું હતું.
૧૦૨૫ ની સાલમાં મહમદ ગજનવીએ ૮ દિવસ સુધી ચાલેલા લોહિયાળ જંગમાં સોમનાથનો કિલ્લો તોડી પાડ્યો. આ યુદ્ધમાં ભીમદેવ પહેલાની હાર થઈ હતી. જેમાં ઘણા જ હિંદુઓની કતલ થઈ હતી ત્યારે શિવમંદિર બચાવવા માટે શિવભક્તો એ તે સમયે પાંચ કરોડ આપવાની વાત કરી હતી. પરંતુ મહમદ ગજનવી માન્યો નહોતો. ત્યારે તેણે કહ્યું હતું કે મને રૂપિયા લેવા કરતાં મંદિર ભાંગવામાં વધુ મજા આવે છે. અંતે સોમનાથ લુટાય છે. શિવલિંગના ટુકડા કરવામાં આવે છે. આ શિવલિંગના ટુકડા મહમદ ગજનવી પોતાની સાથે લઈ ગયો અને પોતાના ત્યાંની મસ્જિદના પગથિયાંની નીચે રાખી દીધા. જેથી મુસલમાન તેના પર પગ મુકીને ચાલે. તેના એક મહિના બાદ જ પરમદેવે મહમદ ગજનવીને ભગાડ્યો હતો.
માળવાના રાજા ભોજ પરમાર તથા પાટણના ભીમદેવ સોલંકી ચોથાએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તે મંદિર જુનું થતાં ઈ.સ.૧૧૬૯ માં કુમારપાળ દ્વારા મંદિરનું પુનઃનિર્માંણ કાર્ય થયું. ઈ.સ.૧૨૯૯ ની સાલમાં દિલ્હી સલ્તનતનો ગુજરાત પર કબ્જો થયો ત્યારે અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુધખાને મુર્તિના ટુકડા કર્યા હતા તથા સોમનાથ લૂંટવામાં આવ્યું.
રા'નવઘણ ચોથાએ લિંગની પ્રતિષ્ઠા કરી તથા રાજા મહિપાલ દેવે ૧૩૦૮ ની આસપાસ આખા મંદિરનો જીણોર્દ્ધાર કર્યો. રાજા રા'ખેંગાર ચોથાએ સોમનાથમાંથી મુસ્લિમોને હાંકી કાઢયા હતા. ઈ.સ.૧૩૯૫ માં ગુજરાતના સુલ્તાન મુઝ્ઝફરખાન બીજાએ ફરી મૂર્તિનો નાશ કર્યો હતો. તેમણે મંદિરમાં મસ્જિદ બનાવી હતી. ઈ.સ.૧૪૧૪ માં અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવી ગયો હતો. ઈ.સ.૧૪૫૧ માં રા'માંડલિકે પુનઃ મંદિરની સ્થાપના કરી હતી. ત્યારબાદ મહમદ બેગડા દ્વારા ફરી મંદિરને મસ્જિદમાં ફેરવી નાંખ્યું. જે અકબરના શાસનકાળમા હિન્દુઓને પાછુ મળ્યું. ઈ.સ.૧૭૦૬ માં ઔરંગઝેબના આદેશથી મંદિરનો નાશ કરવામાં આવ્યો. ભારતની આઝાદી પહેલાં અહલ્યાબાઈએ મંદિરનો જીણોર્દ્ધાર કર્યો હતો.
આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી. જે ૧૧ મે ૧૯૫૧ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરની પ્રતિષ્ઠાન વિધિ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરની દેખરેખ સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે છે. આ મંદિર ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું પ્રદર્શન કરે છે.
(૨) મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ(mallikarjun jyotirling):
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના શ્રીસૈલમમા આવેલું છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગને દક્ષિણ ભારતનું કૈલાશ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ કૃષ્ણા નદીનાં તટ પર શ્રીસૈલમ પર્વત પર આવેલું છે. શ્રીશૈલમ પર્વત કરનૂલ જિલ્લામાં આવેલો છે. આ શ્રીશૈલમ પર્વત સુધી પહોંચવા માટે નલ્લા-મલ્લા નામના ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ શિવનાં ૧૨ જ્યોતિર્લિંગમાંનુ એક છે. સોમનાથ બાદ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગને બીજુ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.
મલ્લિકાર્જુન શબ્દ બે શબ્દોનો બનેલો છે. મલ્લિકા અને અર્જુન. મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવ. અંહિ ભગવાન શિવની પૂજા મલ્લિકાર્જુનના રૂપમાં કરવામાં આવે છે. અંહિ આવનાર ભક્તોની બધીજ મનોકામના પૂર્ણ થાય છે. મંદિરમાં માતા પાર્વતીની ભ્રામમ્બાના સ્વરૂપે પૂજવામાં આવે છે. સ્કંદ પુરાણમાં પણ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું વર્ણન કરવામાં આવ્યું છે. આદિ શંકરાચાર્યએ આ મંદિરની યાત્રા કરી હતી. આ યાત્રા સમયે જ આદિ શંકરાચાર્યએ શિવાનંદ લહેરીની રચના કરી હતી.
જ્યોતિર્લિંગ સુધી પહોંચવા માટે ગાઢ જંગલમાં ૪૦ કિમીનો રસ્તો આવેલો છે. આ રસ્તામાં શૈલ બંધ પરથી ૨૭૦ મીટરની ઉંચાઈએથી પડતો પાણીનો ધોધ પણ જોવા મળે છે. આ રસ્તો જંગલમાંથી પસાર થતો હોવાથી સાંજના ૬ વાગ્યા પછી પ્રવેશ આપવામાં આવતો નથી. સવારના ૬ વાગ્યા પછી જ પ્રવેશ મળે છે.
શંકર-પાર્વતીને બે પુત્રો હતા. ગણેશજી અને કાર્તિકેયજી. શંકર પાર્વતી બન્નેના વિવાહની વાત કરતા હતા. ત્યારે કાર્તિકેયજી અને ગણેશજી વચ્ચે પહેલા કોના વિવાહ થશે તે બાબતે જગડો થયો. આથી શંકર પાર્વતીએ તેનો ઉકેલ લાવવા માટે જે પહેલાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી પરત આવે તેના પહેલા લગ્ન થશે એવુ નક્કી કરવામાં આવ્યું. ગણેશજીનું શરીર ખુબ જ વધારે હતું. જ્યારે કાર્તિકેયજી ખુબ જ હળવા હતા. પરંતુ ગણેશજી ખુબ જ બુદ્ધિશાળી હતા. કાર્તિકેયજી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા. પરંતુ શાસ્ત્ર પ્રમાણે માતા-પિતાની પ્રદક્ષિણા પૃથ્વીની પ્રદક્ષિણા બરાબર થાય. આથી ગણેશજીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાને બદલે શંકર પાર્વતીને આસન પર બેસાડીને તેમની પ્રદક્ષિણા કરી. આથી ગણેશજીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા બરાબર ગણાયું. આ હરિફાઈમાં ગણેશજીની જીત થઇ. આથી ગણેશજીના વિવાહ રિધ્ધિ અને સિધ્ધી સાથે કરવામાં આવ્યા. ગણપતિના બે પુત્રો પણ હતા. લાભ અને શુભ. જ્યારે કાર્તિકેયજી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પરત આવે છે ત્યારે ગણપતિજીના વિવાહ થઈ ગયા હતા. આ વાત જાણી કાર્તિકેયજી રિસાઈને ચાલ્યા જાય છે. કાર્તિકેયજી જે ક્રોંચ પર્વત પર ગયા હતા ત્યાં પાર્વતી જાય છે તેમજ શંકર ભગવાન પણ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે. આ સ્થળ જ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે.
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે એવી માન્યતા છે કે દર અમાસે કાર્તિકેયજીની મુલાકાતે શંકર ભગવાન આવે છે તથા દર પુનમે પાર્વતી કાર્તિકેયજીની મુલાકાતે આવે છે. મહાશિવરાત્રી આ મંદિરનો મુખ્ય તહેવાર છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ખુબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ મંદિરને ચાર પ્રવેશદ્વાર છે. જેને ગોપુરમ કહે છે. એવું માનવામાં આવે છે કે શ્રીશૈલમ પર્વતને દુરથી પણ જોવામાં આવે તો પણ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ અપાવતું ધામ છે. આ ઉપરાંત મલ્લિકાર્જુનને કાર્તિકેયજીની તપોભૂમિ પણ માનવામાં આવે છે. અંહિ મંદિરમાં પગ ધોયા બાદ જ પ્રવેશ કરી શકે છે. અંહિ પ્રથમ નંદિના દર્શન કરવામાં આવે છે ત્યારબાદ મલ્લિકાર્જુનના દર્શન થાય છે.
(૩) મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ(maha kaleshvar jyotirling):
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. પુરાણો અને મહાભારતમાં પણ આ મંદિરનું વર્ણન જોવા મળે છે. મહાકવિ કાલિદાસે પણ મહાકાલેશ્વર મંદિરનું વર્ણન કર્યું છે. મહાકવિ કાલિદાસે પોતાના કાવ્યગ્રંથ મેઘદૂતમાં ઉજ્જૈની નગરીનું વર્ણન કરતાં સમયે આ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ દક્ષિણાભિમુખ છે. તેથી તેને દક્ષિણામૂર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહાકાલેશ્વરને ભયમાંથી મુકિત આપનાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ વિશે એવું કહેવાય છે કે આકાશ, પાતાળ અને ભુલોકના ત્રણ શિવલિંગોમાં મહાકાલની ગણના "ભુલોકના સ્વામી" તરીકે થાય છે. અંહિ મહાકાલેશ્વરની પુજા રાજાધિરાજ કે અવંતીનાથ તરીકે થાય છે.
શિવપુરાણમાં મહાકાલ પ્રાગટ્યની કથા આવેલી છે. ઉજ્જૈનના શિવભક્ત રાજા ચંદ્રસેનને ચિંતામણી નામની એક મણીની પ્રાપ્તી થઈ હતી. આ મણી મેળવવા માટે વારંવાર બીજા રાજાઓ ઉજ્જૈન પર ચડાઈ કરતાં હતા. આથી રાજા ચંદ્રસેને શિવનું શરણ લીધું. તેઓ દિવસ રાત શિવની પુજામાં લીન રહેતા હતા. આ ચંદ્રસેનની પુજા જોઈ શ્રીકર નામનો પાંચ વર્ષનો બાળક પણ શિવ પુજા તરફ આકર્ષાયો. તેમણે એક સામાન્ય પત્થરની સ્થાપના કરી અને જેવી આવડે તેવી પૂજા કરવા લાગ્યો. આ બાળકના ભક્તિભાવથી રત્નમય શિવલિંગ પ્રગટ્યુ. આ વાત ખુબ જ ઝડપથી આખી ઉજ્જૈન નગરીમાં ફેલાઈ ગઈ. રાજા ચંદ્રસેને પણ આ મહાકાલની પુજા કરી. મહાકાલ પ્રગટ થયાના સમાચાર સાંભળી દુશ્મનોએ પણ શસ્ત્રો હેઠા મુકી દીધા. આથી ઉજ્જૈન પરનું સંકટ દુર થઈ ગયું. જગતગુરુ શંકરાચાર્યએ આ સ્થળને પુનઃજાગૃત કર્યું. આ મહાકાલેશ્વરને ભસ્મ આરતી થાય છે. જેનું અનેરું મહત્વ છે. આ આરતીમાં વપરાતી ભસ્મ તાજા મૃત શરીરની ભસ્મ હોય છે. જેનાથી મહાકાલનો શણગાર કરવામાં આવે છે.
(૪) ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ (omkareshvar jyotirling):
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓમકારેશ્વર મંદિર નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. આ ટાપુનો આકાર પણ ૐ જેવો છે. આ ટાપુ પર બે શિવમંદિર આવેલા છે. જેમાં એક મંદિર ઓમકારેશ્વરના નામે ઓળખાય છે. જ્યારે બીજું મંદિર અમરેશ્વર મંદિર તરીકે ઓળખાય છે. પરંતુ મામલેશ્વરને જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. જે નર્મદા નદીના સામેકાંઠે આવેલું છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ વિશે ઘણી દંતકથાઓ છે. જેમાંથી વધુ પ્રચલિત ત્રણ દંતકથાઓ છે. જે ત્રણ દંતકથાઓ નીચે પ્રમાણે છે.
પહેલી દંતકથા વિંધ્ય પર્વત વિશેની છે જે અનુસાર એક વખત નારદમૂનિ ફરતા ફરતા વિંધ્ય પર્વત પાસે આવે છે. વિંધ્ય પર્વત પાસે મેરુ પર્વતના ખુબ જ વખાણ કરે છે. આથી વિંધ્ય પર્વતને મેરુ પર્વત પ્રત્યે ઈર્ષ્યાભાવ જાગે છે. તેથી વિંધ્ય પર્વત શિવનું ખુબ જ તપ કરે છે. શિવ ભગવાન પ્રસન્ન થાય છે. અને વરદાન માંગવા કહે છે. વિંધ્ય પર્વત વધવાનું વરદાન માંગે છે. શિવ વધવાનું વરદાન આપે છે. પરંતુ શરત એ રાખી કે તે ક્યારેય શિવભક્તોના માર્ગમાં આડો નહિ આવે. ત્યારબાદ વિંધ્ય પર્વતે વધવાનું શરૂ કર્યુ. વિંધ્ય પર્વત એટલો વધ્યો કે સુર્યનો માર્ગ પણ રોકાઈ ગયો. આથી ઋષિમુનિઓ ચિંતામાં મુકાઈ ગયા. ઋષિમુનિઓ અગત્સ્ય ઋષિ પાસે જાય છે. અગત્સ્ય ઋષિ અને તેમના પત્ની વિંધ્ય પર્વતને મનાવે છે. તેથી વિંધ્ય પર્વત એવુ કહે છે કે તમે જ્યાં સુધી પરત નહીં આવો ત્યાં સુધી પોતે વધશે નહિ. પરંતુ જ્યારે શિવ પ્રસન્ન થયા ત્યારે તે લિંગના બે ભાગ થયા હતા જેમાં એક ભાગ ઓમકારેશ્વર તરીકે ઓળખાય છે, જયારે બીજો ભાગ મામલેશ્વર તરીકે ઓળખાય છે.
બીજી દંતકથા અનુસાર એક વખત દેવો અને દાનવો વચ્ચે ભિષણ યુદ્ધ થાય છે. જેમાં દેવોની હાર થાય છે. દાનવો જીતી જાય છે. આથી દેવો શિવની આરાધના કરે છે. તેના પરિણામ સ્વરૂપે ઓમકારેશ્વર સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ થાય છે.
ત્રીજી દંતકથા અનુસાર ભગવાન રામના પૂર્વજ માંધાતાએ ભગવાન શિવની ઉપાસના કરીને તેમને અંહિ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થવા મનાવ્યા હતા.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જીલ્લામાં આવેલું છે. આ જ્યોતિર્લિંગ નર્મદા નદીની વચ્ચે આવેલું છે. આ નદી ભારતની પવિત્ર નદીઓમાંની એક માનવામાં આવે છે.
(૫) કેદારનાથ જ્યોતિર્લિંગ(kedarnath jyotirling):
કેદારનાથ જ્યોતિર્લિંગ ઉતરાખંડમાં આવેલું છે. કેદારનાથ જ્યોતિર્લિંગ હિમાલયની ગિરિમાળામાં આવેલા ગઢવાલ ક્ષેત્રનાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ જ્યોતિર્લિંગ હવામાનની વિષમતા ને કારણે અમુક સમય સુધી જ ખુલ્લું રહે છે. આ જ્યોતિર્લિંગના દર્શન અખાત્રીજ થી શરૂ કરીને કારતક મહિનાની પૂનમ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. શિયાળો શરૂ થતાં ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠે લાવવામાં આવે છે. ત્યાં તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ જગ્યા કેદારક્ષેત્ર તરીકે ઓળખાય છે. જેથી જ્યોતિર્લિંગને કેદારનાથ તરીકે ઓળખવામાં આવે છે.
કેદારનાથ જવા માટે સડકમાર્ગ નથી. જેથી કેદારનાથ પગપાળા કે ઘોડા પર બેસીને જવું પડે છે. આ જગ્યાએ જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ છે. ત્યાંથી ૧૪ કિલોમીટર સુધી પગપાળા, ઘોડા પર કે પાલખીમાં જવું પડે છે. ઈ.સ.૨૦૧૩ માં કેદારનાથમાં આવેલા પુરને કારણેે રસ્તો ધોવાઈ ગયો છે. કેદારનાથ દરિયા સપાટીથી ૩૫૮૩ મીટર જેટલી ઊંચાઈએ આવેલું છે. આ વિસ્તારમાં છ મહિના સુધી બરફ છવાયેલો રહે છે. જેથી આખું વર્ષ આ જ્યોતિર્લિંગના દર્શન કરી શકાતાં નથી.
પૌરાણિક માન્યતા પ્રમાણે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેનું આદિ શંકરાચાર્ય દ્વારા પુનરોદ્ધાર કરવામાં આવ્યો હતો.
પૌરાણિક માન્યતા પ્રમાણે મહાભારતના યુદ્ધ બાદ પાંડવો શિવનાં આશિર્વાદ મેળવવા માંગતા હતા. પરંતુ શિવજી પાંડવોથી નારાજ હતા. કારણકે પાંડવોએ ભાઈઓની હત્યા કરીને રાજ્ય મેળવ્યું હતું. શ્રી કૃષ્ણ ભગવાનની સલાહથી પાંડવો દર્શન કરવા કીશી ગયા, પરંતુ ત્યાં પાંડવોને શિવ મળ્યા નહિ. આથી પાંડવો ગુપ્ત કાશી ગયા ત્યાં પણ પાંડવોને શિવ મળ્યા નહિ આથી પાંડવો હિમાલય ગયા, પરંતુ શિવ ભગવાન પાંડવોને દર્શન આપવા માંગતા ન હતા. આથી શિવજી અંર્તધ્યાન થઈને કેદાર ચાલ્યા ગયા. તો પાંડવો પણ કેદાર પહોંચી ગયા. તેથી શિવ બળદનું સ્વરૂપ લઈને બધા પશુઓ સાથે ઉભા રહી ગયા. પરંતુ ભીમને ખ્યાલ આવી ગયો. આથી ભીમ બે પગ પર્વત પર રાખીને ઉભો રહી ગયો. બધા જ પશુઓ બે પગ વચ્ચેથી પસાર થઇને ચાલ્યા ગયા. પરંતુ શિવ ભીમના બે પગ વચ્ચેથી પસાર થયાં નહિ. તેથી ભીમ તેમને બળજબરી પૂર્વક પકડવા લાગ્યો. ભીમે બળદનો પીઠનો ભાગ પકડી લીધો. આથી પાંડવોની શિવની દર્શન કરવાની ઉત્કંઠા જોઈ શિવ પ્રસન્ન થયાં. પાંડવોને દર્શન આપ્યા. જ્યારે શિવજી પ્રસન્ન થયા ત્યારે ધડથી ઉપરનો ભાગ કાઠમંડુમાં પ્રગટ થયો. જે પશુપતિનાથ તરીકે ઓળખાય છે.
માન્યતા પ્રમાણે કેદારનાથ મંદિરનું નિર્માણ સૌપ્રથમ પાંડવોના વંશજ જનમેજયે કરાવ્યું હતું. ત્યારબાદ શંકરાચાર્ય દ્વારા તેમનું પુનઃનિર્માંણ કરવામાં આવ્યું હતું. આદિ શંકરાચાર્યએ પોતાના દેહનો ત્યાગ કેદારનાથમાં જ કર્યો હતો. અંહિયા શંકરાચાર્યની સમાધિ પણ આવેલી છે.
કેદારનાથનુ મંદિર એક હજાર વર્ષ જુનું છે. પરંતુ આ મંદિરની મજબુતાઈ એટલી છે કે કેદારનાથમાં ઈ.સ. ૨૦૧૩ માં પુર આવ્યું હતું. છતાં કેદારનાથનું મંદિર અડિખમ રહ્યું હતું.
(૬) ભીમાશંકર જ્યોતિર્લિંગ(bhimashankar jyotirling):
ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે. ભીમાશંકર મંદિર પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું છે. ભીમાશંકર મંદિર સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. આ જગ્યાએ ભીમા નદીનું ઉદ્ગમસ્થાન પણ આવેલું છે.
એક કથા પ્રમાણે સહ્યાદ્રી પર્વતના ગાઢ જંગલોમાં એક ભીમા નામનો અસુર રહેતો હતો. આ ભીમા રાક્ષસની માતાનું નામ કર્કટી હતું. આ ભીમા રાક્ષસથી સૌ પરેશાન હતા. ભીમા રાક્ષસે પોતાની માતાને પોતાના જીવનનું રહસ્ય જણાવવા કહ્યું. તો ભીમાની માતા કર્કટી એ કહ્યું કે તારા પિતા લંકાના રાજા રાવણના ભાઈ કુંભકર્ણ છે. રામાવતારમાં કુંભકર્ણનો વધ રામે કર્યો હતો. આ જાણી ભીમાએ બદલો લેવાનું નક્કી કર્યુ. આથી ભીમા રાક્ષસે તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ તેમને શક્તિ આપી. ભીમા રાક્ષસે ત્યારબાદ પોતાનો આતંક મચાવવાનો શરૂ કર્યો. દેવો તથા ઋષિમુનિઓ પણ તેનાથી ડરવા લાગ્યા. દેવો પણ ડરીને શિવ પાસે મદદ માંગવા માટે આવ્યા. ભીમા રાક્ષસે કામરૂપેશ્વરને પણ બંદી બનાવ્યો. કામરૂપેશ્વર શિવનો પરમ ભક્ત હતો. ભીમા રાક્ષસે કામરૂપેશ્વરને શિવની પૂજાને બદલે પોતાની પૂજા કરવા જણાવ્યું તો કામરૂપેશ્વરે ના પાડી દીધી. આથી ગુસ્સે ભરાયેલા ભીમા રાક્ષસે તલવાર ઉગામી. શિવલિંગ પર તલવારનો પ્રહાર કર્યો. આથી ભગવાન શિવ પ્રસન્ન થયાં. ભીમા રાક્ષસ અને ભગવાન શંકર વચ્ચે ભીષણ યુદ્ધ થયું જેમાં ભીમા રાક્ષસ હણાયો. આથી દેવોએ શિવને ત્યાં જ વસવાટ કરવા કહ્યું. આથી શિવે ત્યાં લિંગ સ્વરૂપે ત્યાં વસવાટ કર્યો.
(૭) કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ(kashi vishvanath jyotirling):
કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલું છે. જે પવિત્ર ગંગા નદીના જમણાં કાંઠે આવેલું છે. વારાણસીને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી આ જ્યોતિર્લિંગને કાશી વિશ્વનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ ૧૭૮૬ માં અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું. આ મંદિર કાળા પથ્થરમાંથી બનેલું છે. અહલ્યાબાઈ દર સોમવારે પાલખીમાં બેસીને અંહિ દર્શન કરવા માટે આવતા. તેઓ અહીં સવાર અને સાંજનાં સમયે દાળ અને ચોખાના નૈવેદ્ય ધરાવતા હતા. જે પ્રથા આજે પણ શરૂ છે.
પૌરાણિક કથા અનુસાર શિવ અને પાર્વતી હિમાલયમાં રહેતા હતા. આથી પાર્વતીજીને પિતાને ઘરે રહેવાનું પસંદ ન હતું. શંકર ભગવાનને પાર્વતીજીએ વિનંતી કરી કે તેને અન્ય જગ્યાએ લઈ જાય. આથી શંકર ભગવાન પાર્વતીજીને કાશી લઈ આવ્યા હતા.
એક દંતકથા અનુસાર બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતાને લઈ વિવાદ થાય છે. આ વિવાદમાં શિવજી મધ્યસ્થી કરે છે. શિવજી લિંગ સ્વરૂપે પ્રગટે છે. બન્નેને કહે છે કે જે અંત સુધી પહોંચશે તે શ્રેષ્ઠ. બન્ને અંત મેળવવા માટે જાય છે. પરત આવીને વિષ્ણુ કહે છે કે તેને કોઇ અંત મળ્યો નથી. પરંતુ બ્રહ્માજી કહે છે કે તેને અંત મળી ગયો. આમ, બ્રહ્માજી અસત્ય બોલે છે. આથી શિવ ગુસ્સે ભરાય છે. શિવજી બ્રહ્માજીનું એક મસ્તક કાપી નાંખે છે. આ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ તરીકે ઓળખાય છે.
(૮) ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ(trambkeshvar jyotirling):
ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્રંબકેશ્વર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાનાં ત્રંબકમાં આવેલું જ્યોતિર્લિંગ છે. મંદિરમાં કુશાવર્ત કુંડ આવેલો છે. જે ગોદાવરી નદીનો જ સ્ત્રોત ગણાય છે. ત્રંબકેશ્વર મંદિર બાલાજીરાવ પેશ્વા દ્વારા બનાવવામાં આવ્યું હતું. અંહિ ત્રણ લિંગ આવેલા છે. જેથી ત્રંબકેશ્વર તરીકે પણ ઓળખાય છે. અંહિ સ્ત્રીઓને જ્યોતિર્લિંગની પૂજા કરવાની મનાઈ છે.
એક કથા પ્રમાણે હજારો વર્ષ પહેલાં ગૌતમ ઋષિ અને તેના પત્ની અહલ્યા ઋષિમુનિઓ સાથે રહેતા હતા.એક વખત ગૌતમ ઋષિ અને અન્ય ઋષિમુનિઓ સાથે ઝગડો થયો. આથી બીજા ઋષિમુનિઓ ગૌતમ ઋષિને હેરાન કરવા લાગ્યા. બીજા ઋષિમુનિઓએ ગૌતમ ઋષિને હેરાન કરવા ગણપતિનું તપ કર્યું. ગણપતિજી પ્રસન્ન થયા. ગૌતમ ઋષિને કાઢી મૂકવા માટેનું વરદાન માગ્યું. આથી ગણપતિજીએ નિર્બળ ગાયનું રૂપ ધારણ કરીને ગૌતમ ઋષિ પાસે પડેલું ધાન ખાવા લાગ્યા. ગૌતમ ઋષિએ ગાયને ઘાસ પુળા વડે અટકાવી તો ગાય મૃત્યુ પામી. આથી અન્ય ઋષિમુનિઓ ત્યાં ભેગા થઈને ગયા. ગૌતમ ઋષિ પર ગૌહત્યાનો આરોપ લગાવ્યો. આથી ગૌતમ ઋષિને અંહીથી સપરિવાર ચાલ્યા જવા કહ્યું અને ગૌહત્યાના પાપ નિવારણ માટે ગંગા નદીમાં સ્નાન કરવા તથા ૧૧ વખત બ્રહ્મગીરી પર્વતની પ્રદક્ષિણા કરવા જણાવ્યું. આથી ગૌતમ ઋષિ તથા અહલ્યાએ તે પ્રમાણે કર્યુ. તેથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું તો ઋષિએ ગૌહત્યાના પાપમાંથી મુક્તિ માટે વરદાન માગ્યું. ગૌતમ ઋષિની યાચનાથી બ્રહ્મગીરી પર્વતમાંથી ગંગાજી ઋષિના આશ્રમ પાસેથી વહેવા લાગ્યા. આ નદીને કિનારે શંકર, બ્રહ્મા, વિષ્ણુ અને ઈન્દ્ર એમ ચાર શિવલિંગોના બનેલા જ્યોતિર્લિંગ સ્વરૂપે શિવજી અંહિ સ્થિત થયા.
(૯) નાગેશ્વર જ્યોતિર્લિંગ(nageshvar jyotirling):
નાગેશ્વર એ ગુજરાતના દ્વારકામાં આવેલું જ્યોતિર્લિંગ છે. દંતકથા અનુસાર વામન સંતોનું જુથ ઘણા સમયથી દારૂકાવનમાં ભગવાન શિવની ઉપાસના કરતું હતું. ભગવાન શિવે તેમની ભક્તિની કસોટી કરવા સર્પન્ટ ધારણ કરીને ત્યાં આવ્યા. સંતોની પત્નીઓએ તેમને ખુબ જ આકર્ષિત કર્યા. તેમના પતિઓને છોડીને તેમની પાછળ ગયા. આથી સંતો અસ્વસ્થ થઇ ગયા અને ગુસ્સે ભરાયા. તેમના લિંગને છુટા કરવા માટે શુક્રાણુઓ ને શ્રાપ આપ્યો. શિવલિંગ પૃથ્વી પર પડી ગયો. આખુ જગત ભભૂકી ઉઠ્યું. બ્રહમા અને વિષ્ણુ ભગવાન શિવ પાસે આવ્યા. તેમની લિંગ પાછી લેવા વિનંતી કરી. શિવે તેમની લિંગ પાછી લીધી. ભગવાન શિવે દારૂકાવનમાં હાજરીનું વચન આપ્યું.
એક કથા અનુસાર દારૂકાએ તપ કરીને પાર્વતીજીને પ્રસન્ન કર્યા. દારૂકાએ કહ્યું કે વનમાં ઘણી ઔષધી છે. જ્યાં લોકોને જરુર હોય ત્યાં હું વનને લઈ જઈ શકુ એવું વચન આપો. પાર્વતીજીએ તેને સત્કર્મ કરવા વચન આપ્યું. પરંતુ સુપ્રિયા નામની શિવભક્ત અને અન્યોને દારૂકાએ વનમાં બંદી બનાવીને રાખ્યાં. આ દારૂકાવનમાં ખુબ જ સાપ રહેતા હતા. સુપ્રિયાના કહેવાથી બધાએ ભોળાનાથના જાપ શરૂ કર્યા. ભોળાનાથ પ્રસન્ન થયા. તેમણે દારૂકાનો નાશ કર્યો. ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે શિવ રહેવા લાગ્યા.
(૧૦) વૈદ્યનાથ જ્યોતિર્લિંગ(vaidhyanath jyotirling):
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવધર નામના સ્થળ પર આવેલું છે.
તેમની પ્રાગટ્યની કથાની વાત કરીએ તો એક સમયે રાવણ કૈલાશ પર્વત પર ભગવાન શિવની આરાધના કરી રહ્યો હતો. ઘણા વર્ષો સુધી તપ કર્યું. ભગવાન શિવ પ્રસન્ન ન થતાં રાવણે પોતાના મસ્તક કાપીને શિવના શરણે મુકવા લાગ્યો. તેમણે પોતાના નવ માથાની આહુતિ આપી. દસમું માથું કાપવા જતો હતો ત્યાં શિવ પ્રસન્ન થયા. તેમને વરદાન માંગવા કહ્યું. રાવણે પોતાને શક્તિશાળી બનાવવાનું વરદાન માંગ્યું. શિવજી એ તે વરદાન રાવણને આપ્યું. રાવણનાં માથાઓ પણ પાસા લાવી દીધા.
રાવણ ખુશ થયો અને પોતાની સાથે શિવને લંકા આવવા કહ્યું. આ સાંભળીને ભગવાન ભોળાનાથે રાવણને કહ્યું તું આ લિંગને લંકા લઈ જા. પરંતુ જો તું આ લિંગને તું જ્યાં મુકિશ ત્યાં હું સ્થિત થઈ જઈશ. આ સાંભળીને રાવણ ખુશ થયો. પરંતુ દેવતાગણને ચિંતા થવા લાગી કે આ રાવણને મળેલી શક્તિથી તે ચોક્કસ અનર્થ કરશે. રસ્તામાં રાવણને લઘુશંકા લાગી. આથી તેણે વૈજ નામના ગોવાળને શિવલિંગ સાચવવા માંટે વિનંતી કરી. આ ગોવાળ બીજુ કોઇ નહિ પરંતુ સ્વયં વિષ્ણુ જ હતા. તેમનાથી વધુ સમય સુધી શિવલિંગનો ભાર સહન ન થતાં, શિવલિંગ ને તેમણે નીચે મુક્યું. શિવજી ત્યાં જ સ્થાપિત થઈ ગયા. ભગવાન વિષ્ણુ પણ નહોતા ઈચ્છતા કે શિવલિંગની સ્થાપના લંકામાં થાય. આ શિવલિંગ સ્થપાયું તે જ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ.
રાવણ ત્યારબાદ લંકા ચાલ્યો ગયો. રાવણના અનર્થ કરવાના ડરથી દેવતાઓ નારદજી પાસે ગયા. નારદજીએ તેમને મળેલું વરદાન કેટલું સફળ છે તેનું પરીક્ષણ કરવા રાવણને કહ્યું. નારદજીએ રાવણને કૈલાશ પર્વત ઉઠાવવા કહ્યું. રાવણે કૈલાશ પર્વત ઉઠાવ્યો. તે પર્વત પર શિવજી હતા. આથી શિવજી ક્રોધિત થયા. શિવજી એ રાવણને શ્રાપ આપ્યો કે તેમનો વધ કરવા માટે કોઈ દિવ્યપુરુષ જન્મ લેશે.
હાલનું આ મંદિર ઈ.સ.૧૫૧૬ માં બાંધવામાં આવ્યું હતું. આ મંદિર ગિધોર પ્રાંતના રાજા પુરાણમલે બંધાવ્યું હતું.
(૧૧) રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ(rameshvar jyotirling):
આ રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામેશ્વરમ્ શહેરમાં આવેલું છે. આ શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી. આથી તેને રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ કહેવાય છે. આ જ્યોતિર્લિંગની એક બાજુ બંગાળની ખાડી છે તો બીજી બાજુ હિન્દ મહાસાગર આવેલો છે.
સીતાની શોધ કરવા નીકળેલા રામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ. રામના વિશેષ દૂત તરીકે હનુમાનજીની મદદથી સીતા લંકામાં છે તેવી ખબર મળી. ત્યારબાદ લંકા પર ચડાઈ કરવા માટે રામે વાનરસેનાનું ગઠન કર્યું. પરંતુ લંકામાં જવા માટે સમુદ્ર પાર કરવો પડે તેમ હતો. તેની ચિંતા રામ કરવા લાગ્યા. ત્યાં રામ દ્વારા જ ત્યાં દરિયાકિનારે શિવજીની પૂજા કરી. શિવજી પ્રસન્ન થયા. શિવજીને અંહિ નિવાસ કરવાં માટે વિનંતી કરી. આથી આ સ્થળ રામેશ્વરમ્ તરીકે ઓળખાયું.
(૧૨) ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ(dhrishneshvar jyotirling):
ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદની નજીક આવેલું છે. આ ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ઈલોરાની ગુફાની નજીક આવેલું છે. પુરાણકાળમાં ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનું નામ કુમકુમેશ્વર હતું.
એક કથામાં પ્રમાણે કુસુમ શિવની પૂજા ખુબ જ કરતી હતી. કુસુમ શિવની પરમ ભક્ત હતી. તે દરરોજ શિવલિંગને તળાવમાં સ્નાન કરાવીને તેમની પૂજા કરતી હતી. તેથી કુસુમના પતિની પ્રથમ પત્ની કુસુમની ખુબ જ ઈર્ષા કરતી હતી. આથી કુસુમના પતિની પ્રથમ પત્નિએ કુસુમના બાળકની હત્યા કરાવી નાંખી. છતાં પણ દુઃખી થયેલી કુસુમે પોતાનો નિત્યક્રમ ન છોડ્યો. જ્યારે કુસુમ શિવલિંગને ફરી તળાવમાં સ્નાન કરાવવા લઈ ગઈ તો તેનો પુત્ર સજીવન થઈ ગયો. ત્યારબાદ શિવજી પ્રગટ થયા.ત્યારથી ત્યાં ધૃષ્ણેશ્વર સ્વરૂપે શિવલિંગ પુજાય છે.
એક કથા અનુસાર શિવજી અને માતા ગિરજાભવાની કામ્યક નામના જંગલમાં રહેતા હતા. ત્યારે શિવાલયના પૂર્વ કિનારા પર માતા ગિરજાભવાની પોતાના હાથમાં કંકુ લઈને કપાળ પર લેપ કરવાની તૈયારી કરતા હતા. ગિરજાભવાની કુંડમાંથી પાણી લઈ ડાબા હાથમાં રાખેલા કંકુને જમણા હાથની અનામિકા આંગળી વડે ઘસતા હતા. સાથે મંત્રોચ્ચાર કરતાં હતા. જેમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ. ત્યારબાદ અા જ્યોતિને લિંગમાં સ્થાપિત કરી. જે કુમકુમ જેવા રંગનું હોવાથી કુમકુમેશ્વર તરીકે પણ ઓળખાય છે. સમય જતાં આ મહાદેવનું નામ ધૃષ્ણેશ્વર મહાદેવ પડ્યું. ધૃષ્ણનો અર્થ પણ ઘસવું એવો થાય છે.
ધૃષ્ણેશ્વર મંદિરનું પુનઃનિર્માંણ સોળમી સદીમાં માલોજી રાજ ભોંસલેએ કર્યું હતું. માલોજી રાજ ભોંસલે એ શિવાજીના દાદા હતા. ત્યારબાદ અઢારમી સદીમાં અહલ્યાબાઈ હોલકરે મંદિરનું પુનઃનિર્માંણ કરાવ્યું હતું.
FAQs:
(વારંવાર પુછાતા પ્રશ્નો)
ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે?
ભારતમાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે.
ગુજરાતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે?
ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ આવેલા છે. સોમનાથ જ્યોતિર્લિંગ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ
કેદારનાથ જ્યોતિર્લિંગ ક્યા રાજ્યમાં આવેલું છે?
કેદારનાથ જ્યોતિર્લિંગ ઉતરાખંડમાં આવેલું છે.
0 Comments