ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા 2022/2023 | Education system in Gujarat 2022/2023 | ગુજરાતમાં શિક્ષણની યોજનાઓ 2022/2023 | Education schemes in Gujarat 2022/2023 | ગુજરાતમાં શિક્ષણ સુવિધાઓ 2022/2023 | Education facilities in Gujarat 2022/2023
ગુજરાત રાજ્ય શૈક્ષણિક બાબતોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતે છેલ્લા વર્ષોમાં ઘણી શૈક્ષણિક સિદ્ધીઓ હાંસલ કરી છે.ગુજરાત રાજ્ય શૈક્ષણિક બાબતો પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યું છે. ગુજરાત રાજ્યે શિક્ષણ તથા બાળકોનાં હિત માટે ઘણા નિર્ણય લીધા છે.ગુજરાત રાજ્યે કોરોનાકાળમાં પણ શિક્ષણ તથા વાલીનાં હિતને ધ્યાનમાં રાખીને ઘણા આવકારદાયક નિર્ણયો લઈને શિક્ષણ તથા બાળકોના હિતની ચિંતા કરી છે. કોરોનાકાળમાં પણ ઓનલાઇન માધ્યમ દ્વારા બાળકોને ઘરેબેઠાં શિક્ષણ પુરુ પાડવાનું સરાહનીય કાર્ય કર્યું છે.
ગુજરાત રાજ્યે નવી શિક્ષણ નીતિ લાગુ કરીને બાળકનાં હિતની ચિંતા કરી છે. શિક્ષણમાં નવી નવી યોજનાઓ થકી દરેક વ્યક્તિ માટે શિક્ષણની સુવિધા તથા માળખું ઉભું કર્યું છે. બાળકોને આધુનિક શિક્ષણ પધ્ધતિથી શિક્ષણ મળે તે માટે થઈને પ્રાથમિક શાળાઓમાં "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટ અમલમાં મુક્યો, જેનાથી બાળકો આધુનિક પધ્ધતિથી શિક્ષણ મેળવી શકે.જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ડીજીટલ બોર્ડ, શાળા માટે નેટવર્ક કનેક્ટીવીટી, આધુનિક કમ્પ્યૂટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, પુસ્તકાલય, રમતગમતના સાધનો, મફત પાઠ્યપુસ્તક, ગણવેશ સહાય, શિષ્યવૃત્તિ જેવી અનેક યોજનાઓ અમલમાં મુકીને શિક્ષણની કેડી કંડારી ઉત્તમ ઉદાહરણ ગુજરાત રાજ્યે પુરુ પાડ્યું છે.
શિક્ષણમાં સતત મોનિટરિંગ માટે સી.સી.સી (હાલ નવુ નામ વિદ્યા સંશોધન કેન્દ્ર) ની સ્થાપના કરી છે. જે સમગ્ર રાજ્યની શાળાઓ તથા શિક્ષણનુ મોનિટરિંગ કરી માર્ગદર્શન પુરુ પાડે છે.શિક્ષણ સંશોધન કેન્દ્ર સંપૂર્ણ રાજ્યના બાળકોના શિક્ષણ પર દેખરેખ રાખે છે તથા શિક્ષણ સંબંધિત માહિતી રાખે છે.
ગુજરાત રાજ્ય છોકરીઓના શિક્ષણ બાબતે પણ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. ગુજરાતની બાળાઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગુજરાત રાજ્ય ખુબ જ સરાહનીય કામગીરી કરી છે. ગુજરાત સરકારે બાળાઓને શિક્ષણ માટે "વિદ્યા લક્ષ્મી બોન્ડ" યોજના ચલાવે છે. જે થકી બાળાઓને આર્થિક રીતે મદદ કરી શકાય છે.આજે શિક્ષણ થકી મહિલાઓ પુરુષ સમોવડી બની છે.બાળાઓ એ આજે ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણમાં પણ હરણફાળ ભરી છે.
ગુજરાત રાજ્યમાં બાળકોને પુર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે આંગણવાડીની પણ સ્થાપના કરી છે. પુર્વ પ્રાથમિક શિક્ષણ માટે તથા આરોગ્ય માટે ગુજરાત રાજ્યે આંગણવાડી કાર્યકર, તેડાગર, આશા વર્કર જેવી પોસ્ટ ઉભી કરી પુર્વ પ્રાથમિક શિક્ષણની પણ ચિંતા કરી છે.આંગણવાડી વર્કર બહેનો માટે યશોદા એવોર્ડની પણ શરુંઆત કરી છે.
શાળામાં બાળકો કોઈ ગંભીર રોગનો શિકાર ન બને તથા બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે "શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ"ની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત દેખરેખ તથા સારવાર આપવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોની શારીરિક તપાસણી કરવામાં આવે છે.
શાળામાં આવતા બાળકો કુપોષણનો શિકાર ન બને તે માટે " મધ્યાહન ભોજન યોજના "લાગુ કરી છે. આ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને પોષણક્ષમ આહાર પુરો પાડવામાં આવે છે.મધ્યાહન ભોજન યોજનાનું મેનું પણ બાળકોના પોષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. મધ્યાહન ભોજન યોજના થકી કુપોષણની સમસ્યાનો હલ લાવવાનો સરસ પ્રયાસ થયો છે. મધ્યાહન ભોજન યોજના થકી ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટાડી શકાયો છે.
ગુજરાત સરકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને "દુધ સંજીવની યોજના" શરૂ કરી છે. દુધ સંજીવની યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૮ ના બાળકોને મફતમાં અલગ અલગ ટેસ્ટમાં દુધ પુરુ પાડવાનું સરાહનીય કાર્ય કર્યું છે. આ યોજનાથી બાળકોની તંદુરસ્તી તથા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો.
ગુજરાત રાજ્યે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે "શાળા પ્રવેશોત્સવ" કાર્યક્રમ શરૂ કર્યો. ૧૦૦ % નામાંકન પર ભાર મુક્યો. કોઈપણ બાળક શાળામા પ્રવેશ મેળવી શિક્ષણ મેળવી શકે તથા શાળાએ આવેલું બાળક શાળા છોડી ન જાય તેના માટે પૂરતાં પ્રયાસો કર્યા છે અને આજે એના મીઠા ફળ આપણને મળી રહ્યા છે. દરેક બાળક કઈ શાળામાં અભ્યાસ કરે છે તથા ક્યા બાળકે શાળા છોડી તેને માટે ગુજરાત રાજ્યે આધાર ડાયસ કોડ વિકસાવ્યો છે, જેની મદદથી દરેક બાળકને ટ્રેક કરી શકાય છે.
શાળાના શિક્ષણમાં ગુણવત્તા આવે તે માટે "ગુણોત્સવ" કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ગુણોત્સવ મારફતે શાળાનાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મહત્તમ પ્રયાસો થયા છે. શાળામાં લાયકાત વાળા શિક્ષકો મળે તે માટે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ( tet) ની શરૂઆત કરી, જેથી સારા અને લાયકાત વાળા શિક્ષકો મળી રહે.
શિક્ષણમાં નવીનીકરણ માટે તથા સમય સાથે શિક્ષકોને અપડેટ રાખવા માટે "જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન"( DIET) ની સ્થાપના કરી. આ સંસ્થા શિક્ષકોને તાલીમ આપી સતત શિક્ષકોને અપડેટ રાખવાનું કામ કરે છે.આ તાલીમ ભયનો શિક્ષણને તથા શિક્ષકને અપડેટ રાખવાનું કામ બખુબી કર્યું છે.રાજ્ય સ્તરે તાલીમ તથા તાલીમ ભવનો પર દેખરેખ રાખવા માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ની સ્થાપના કરવામાં આવી છે. જેને ટુંકમાં GCERT કહે છે.
આજે શિક્ષકોની હાજરી સુનિશ્ચિત કરવા, શિક્ષકોની નિયમિતતા માટે આજે ઓનલાઇન એટેન્ડસ સિસ્ટમ વિકસાવાઇ છે, જેની મદદથી શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવામાં આવે છે, આ ઉપરાંત સી.આર.સી(ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડીનેટર) ની મદદથી પણ મોનીટરીંગ કરવામાં આવે છે. ઘણી સ્કુલોમાં ફિંગરપ્રિન્ટ ઓનલાઇન એટેન્ડસ સિસ્ટમ વિકસાવાઇ છે, જે શિક્ષકોની નિયમિતતા પર દેખરેખ રાખે છે. આજે બાળકોની પણ ઓનલાઇન હાજરી પુરવામાં આવે છે, જેથી બાળકોની પણ નિયમિતતા જાણી શકાય છે.
બાળકોમાં નવા નવા કૌશલ્યો વિકસે તે માટે દર વર્ષે બાળકો માટે "લાઈફ સ્કિલ્સ અને બાળમેળા"નું આયોજન થાય છે. જેની મદદથી બાળકોમાં નવા કૌશલ્યો વિકસે છે તથા બાળકોને પોતાનું કૌશલ્ય બતાવવાની એક તક મળે છે.આ બાળમેળા માટે ગુજરાત રાજ્ય ગ્રાન્ટની ફાળવણી પણ કરે છે.
બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તથા પર્યાવરણને સમજે તે માટે થઈ શાળામાં " પર્યાવરણ લેબ" તથા "ઈકોક્લબ" ની શરૂઆત કરવામાં આવી છે. ઈકોક્લબની પ્રવૃત્તિથી પર્યાવરણ શિક્ષણ એક જીવંત શિક્ષણ બન્યું છે. આ ઉપરાંત શાળામાં "વિશ્વ પર્યાવરણ દિવસ", " વિશ્વ વન દિવસ ", " વિશ્વ જળ દિવસ ", " વન મહોત્સવ " જેવા કાર્યક્રમ તથા દિવસોની ઉજવણી કરી બાળકોની પર્યાવરણ પ્રત્યેની ભાવના વિકસાવવાનો મહત્વનો પ્રયાસ થયો છે.
બાળકનુ ઘર જો શાળાથી દુર હોય તો બાળકોને શાળાએ ચાલીને ન જવું પડે તે માટે "ટ્રાન્સપોર્ટેશન" ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે, જેને કારણે શાળાથી અંતરને કારણે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે. આ ઉપરાંત ગુજરાત સરકારે બાળકોને શિક્ષણ માટે જી.એસ.આર.ટી.સી(ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન) ની "વિદ્યાર્થી બસ પાસ યોજના " શરૂ કરી છે. આ સુવિધા વિદ્યાર્થીઓને નજીવા ભાડા સાથે મુસાફરીની સુવિધા પુરી પાડે છે.
સરકારી શાળામાં ભણતા બાળકો માટે સરકારે "વિધ્યાદિપ યોજના" પણ શરુ કરી છે. આ વિધ્યાદિપ યોજના હેઠળ બાળકો શાળાએ જતા અથવા આવતા અકસ્માત થાય તો તે બાળકને વિમા કવચ પુરુ પાડતી યોજના છે, જે અંતર્ગત બાળકના માતાપિતાને સહાય કરીને મદદરુંપ થતી મહત્વની યોજના છે.
પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના શિક્ષણનું નિયમિતપણે મૂલ્યાંકન થાય તે હેતુથી પિરિયોડીકલ એસેસમેન્ટ ટેસ્ટ (PAT) નું આયોજન દર શનિવારે અથવા અભ્યાસક્રમ પ્રમાણે આયોજન થાય છે. આ લેવામાં આવતી ટેસ્ટના મેળવેલ ગુણ પણ ઓનલાઇન કરવામાં આવે છે, જેથી જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે, શાળા કક્ષાએ,ક્લસ્ટર લેવલે, બ્લોક લેવલે તથા સ્ટેટ લેવલે બાળકોની કચાશ તથા સિધ્ધિ જાણી શકાય. તથા તે ગુણને અનુરૂપ તાલીમ આપી શકાય. આ સાપ્તાહિક કસોટીના પ્રશ્નપત્રો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર મારફતે તૈયાર કરવામાં આવે છે. જેથી આખા ગુજરાતમાં એક જ સમયે એક જ ટેસ્ટ લેવાતી હોય છે, જેથી શાળા કક્ષાએ, ક્લસ્ટર લેવલે, બ્લોક લેવલે, જીલ્લા સ્તરે, રાજ્ય સ્તરે પ્રતિભાશાળી બાળકોની ઓળખ સરળતાથી કરી શકાય.આ સાપ્તાહિક કસોટી લઈને કાર્ય પુર્ણ થતું નથી, પરંતુ કસોટી બાદ તેનું ઉપચાર કાર્ય કરી પુનઃ કસોટી પણ લેવામાં આવે છે. આમ, સાપ્તાહિક કસોટીના માધ્યમથી ઘણા ફાયદા થયા છે. સાપ્તાહિક કસોટીથી આખા રાજ્યમાં અભ્યાસક્રમ એક સાથે સરખો ચાલે છે, જેથી કોઈ બાળક એક શાળા છોડી અન્ય શાળામાં જાય તો ત્યાં પણ એટલો જ અભ્યાસક્રમ ચાલેલા હોય છે. જેથી બાળકોને ફાયદો થાય છે અને લર્નિંગ લોસ ઘટે છે. એકમ કસોટી માટે બાળકોને વિનામુલ્યે એકમ કસોટી બુક પણ આપવામાં આવે છે. એકમ કસોટીના લીધે આખા ગુજરાતમાં અભ્યાસક્રમમાં એકરૂપતા તથા સમાનતા આવે છે. એકમ કસોટીના ગુણને ઓનલાઇન કરવા માટે સરલ ડેટા એપ પણ વિકસાવવામાં આવી છે, જેની મદદથી ઝડપથી ગુણ સ્કેનિંગ કરી ઓનલાઇન કરી શકાય. આ એકમ કસોટીઓ પણ નિષ્ણાતો દ્વારા ક્ષમતા આધારિત તૈયાર કરવામાં આવે છે.
બાળક શાળામાં તો શીખે જ છે, પરંતુ બાળકને શાળાએથી ઘરે જઈ ફરીવાર શીખવું હોય તો તેના માટે સરકારશ્રી દ્વારા g- shala app પણ વિકસાવવામાં આવી છે, જેની મદદથી બાળક ઘરે પણ શિક્ષણ મેળવી પોતાની ક્ષમતા સિધ્ધ કરી શકે. G-shala app માં ધોરણ પ્રમાણે તથા વિષય પ્રમાણે E-contain વિકસાવવામાં આવ્યું છે, જેથી બાળક પોતાના અનુકૂળ સમયે શીખી શકે.આ ઉપરાંત G-shala app માં કસોટીઓ પણ આપી શકે છે. આ કસોટીઓમાં બાળકો શું શીખી રહ્યા છે તથા તેમા ક્યાં કચાશ છે, તે શિક્ષક પણ આ એપની મદદથી જાણી શકે છે. G-shala app માં ઓડિયો વિડિઓ સ્વરુપે ઘણા વિડીયો તથા શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવામાં આવી છે, જે બાળકોને સાંભળવી તથા જોવા ગમશે. આમ, આ એપના માધ્યમથી બાળકો શાળાએથી ઘરે ગયા પછી પણ શીખી શકશે.સરકાર દ્વારા દિક્ષા પોર્ટલ પણ વિકસાવવામાં આવ્યું છે, જેની મદદથી બાળકો સરળતાથી શીખી શકશે. જેમાં ઘણી બધી ભાષાઓમાં કન્ટેન્ટ વિકસાવવામાં આવ્યું છે.
શિક્ષકોની માહિતી માટે ગુજરાત રાજ્યે "ટીચર પોર્ટલ" વિકસાવ્યું છે, જેમાં શિક્ષકોને લગતી માહિતી હોય છે. શક્ષકોની સેવાકીય બાબતોની નોંધ રાખવા માટે "સાસ પોર્ટલ" વિકસિત કરવામાં આવ્યું છે. સાસ પોર્ટલ પર શિક્ષકોની રજા નોંધ, ઓનલાઇન સર્વિસ બુક, ઓનલાઇન માસિક પત્રકો, બાળકોના સર્વગ્રાહી મુલ્યાંકન પત્રકો, પગાર સબંધિત નોંધ, ઈન્ક્રીમેન્ટ, પગાર વિષયક બાબતો વગેરે જેવી ઘણી માહિતી હોય છે. જે હાલ બધુ જ ઓનલાઇન કરી પેપરલેસ વહિવટી તરફનું એક મહત્વનું કદમ કહી શકાય.
ગુજરાત સરકાર દ્વારા બાળકોને સહાયરૂપ થવાના ઉદેશ્યથી શિષ્યવૃત્તિ આપે છે. દર વર્ષે ધોરણ પ્રમાણે તથા જાતી પ્રમાણે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ બાળકોની શિષ્યવૃત્તિ પહેલા રોકડથી ચૂકવાતી હતી. આ કારણે ઘણા વહિવટી તથા શિષ્યવૃત્તિ ન આપવાનાં કિસ્સા ઉપસ્થિત થતાં. આ પ્રશ્નના નિરાકરણ માટે શિષ્યવૃત્તિની દરખાસ્ત ઓનલાઇન કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના અન્વયે દરેક બાળકના બેંક ખાતામાં શિષ્યવૃત્તિ જમા થાય છે, જેથી શિષ્યવૃત્તિ રોકડમાં આપવામાં આવતી નથી. જેથી નાણાકીય ઉચાપતના પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. સીધો જ લાભ વિદ્યાર્થીઓને મળે છે.
બાળકો રમત દ્વારા સારું સ્વાસ્થ્ય મેળવે, દેશને સારા રમતવીરો મળે, રમત પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે દરેક શાળામાં "રમતોત્સવ"નુ આયોજન થાય છે. દર વર્ષે શાળામાં રમતોત્સવનુ આયોજન કરવામાં આવે છે.ગુજરાત રાજ્ય દ્વારા "ખેલ મહાકુંભ" નું આયોજન પણ કરવામાં આવે છે. ખેલ મહાકુંભમાં ઘણી વ્યક્તિગત, સામુહિક, ઈન્ડોર, આઉટડોર રમતો હોય છે. આ ખેલમહાકુંભમાં તાલુકા કક્ષાએ, જીલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ વિજેતા રમતવીરોને પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવે છે. આમ, ગુજરાત સરકારે શિક્ષણની સાથે સાથે રમતોને પણ પુરતું મહત્વ આપ્યું છે.
આજે જગ્યાને અભાવે શાળામાં વર્ગખંડની તંગી ન સર્જાય તે હેતુથી બહુમાળી શાળાઓ બનાવી છે. આ બહુમાળી મકાનમાં કોઈ આગ ન લાગે તથા આગ લાગ તો પણ તેની પુરતી કાળજી રાખી છે. જો કોઈ આગ લાગવાનો બનાવ બને તો ૧૧ મીટરથી ઉંચી બહુમાળી શાળામાં "ફાયર સેફ્ટી"ની સુવિધા ઉભી કરી છે, જેથી આગ લાગે તો પણ બાળકોને નુકસાન ન થાય.
બાળકો માટે પુરતા પ્રમાણમાં "શૌચાલય" મળી રહે તેની પણ કાળજી રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાનમાં રાખીને શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય તથા પુરતા પ્રમાણમાં શૌચાલયની વ્યવસ્થા કરી છે. શૌચાલયની સ્વચ્છતા જળવાઈ તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ બાળકો માટે અલગથી શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવ્યાંગ બાળકો માટે શાળામાં પગથિયાં ચડવામાં તકલીફ ન પડે તે માટે દરેક શાળામાં "રેમ્પ વોક"ની વ્યવસ્થા છે, જેથી દિવ્યાંગ બાળકો રેમ્પ વોકના સહારે વર્ગખંડ સુધી પહોંચી શકે તથા ઉત્તમ શિક્ષણ મેળવી શકે. રેમ્પ વોકમા દિવ્યાંગ વિદ્યાર્થીઓને કોઈનાં સહારાની જરૂર પડતી નથી.
બાળકો સરળતાથી તથા વિનામૂલ્યે શિક્ષણ મેળવી શકે કે માટે અલગ અલગ હેતુથી અલગ અલગ શાળાઓ શરૂ કરવામાં આવી છે. જવાહર નવોદય પરીક્ષા પાસ કરીને મેરીટ મા આવતા વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલયમાં એડમીશન આપવામાં આવે છે. આ "જવાહર નવોદય વિદ્યાલય"માં શિક્ષણ તથા રહેવા-જમવાની સુવિધા તદ્દન મફત હોય છે.
આદિવાસી વિસ્તારોમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ દ્વારા તેને વિકાસ થાય તે હેતુથી સુવિધાથી સજ્જ એવી "એકલવ્ય રેસિડેન્શિયલ સ્કુલ" શરૂ કરવામાં આવી છે. એકલવ્ય સ્કુલનો હેતુ જ આદિવાસી વસ્તી ધરાવતા તાલુકા અને જીલ્લામાં બાળકોને ગુણવત્તાયુક્ત તથા સારું શિક્ષણ પુરુ પાડવાનો ઉદેશ્ય છે.આ ઉપરાંત આદર્શ નિવાસી શાળા ઓ, મોડેલ સ્કુલ જેવી શાળાઓ વિવિધ ઉદેશ્ય સાથે શરું કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યે કોઈ બાળાઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે તાલુકા પ્રમાણે "કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય"(KGBV) ની શરૂઆત કરવામાં આવી છે.જેમાં તમામ બાળાઓને રહેવા, જમવા તથા શિક્ષણની સુવિધા મફતમાં આપવામાં આવે છે.
"સ્કુલ ઓફ એક્સલન્સ" કાર્યક્રમ અંતર્ગત દરેક તાલુકામાં એક સંપૂર્ણ સુવિધાથી સજ્જ એવી એક શાળા નિર્માણ કરવામાં આવશે. આવી શાળામાં રહેવા, જમવા તથા શિક્ષણ તદ્દન મફત હશે. આ શાળામાં શિક્ષકોની ભરતી પણ અલગથી કરવામાં આવશે.આવી શાળામાં ૧ થી ૧૨ માં ધોરણ સુધીનું સળંગ એકમ હશે. સારામા સારી શિક્ષણની તથા ભૌતિક સુવિધા પુરી પાડવામાં આવશે.
હાલ ગુજરાત રાજ્યે આધુનિક તથા એન.સી.ઈ.આર.ટી આધારીત પુસ્તકો તૈયાર કર્યા છે.ગુજરાત રાજ્ય મફતમાં પાઠ્યપુસ્તક પણ આપે છે.પાઠ્યપુસ્તકમાં દરેક એકમ તથા અઘરા ટોપિક પર QR code આપવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ QR code સ્કેન કરી અઘરા ટોપિક પણ સરળતાથી શીખી શકે છે. પોતે ઘરે પણ પાઠ્યપુસ્તકમાં રહેલા QR code સ્કેન કરીને જાતે પણ પોતાના અનુકૂળ સમયે શીખી શકે છે.
ગુજરાતમાં બાળકો ટેલિવિઝનના માધ્યમથી શિક્ષણ મેળવી શકે તે માટે "વંદે ગુજરાત ચેનલ " શરૂ કરવામાં આવી છે. જે બાળકના ઘરે ટેલિવિઝન છે તે ટેલિવિઝનના માધ્યમથી પણ શીખી શકે છે. વંદે ગુજરાતની ઘણી ધોરણ પ્રમાણે ચેનલો છે જેમાં શૈક્ષણિક કાર્યક્રમ પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી બાળકો ટેલિવિઝનના માધ્યમથી શિક્ષણ મેળવી શકે છે.આ ઉપરાંત "મીના રેડીયો " કાર્યક્રમ પણ પ્રસારીત કરવામાં આવે છે, જેની મદદથી બાળકો નવી નવી માહીતી મેળવે છે તથા મુલ્ય શિક્ષણ મેળવે છે.
ગુજરાતમાં "સમગ્ર શિક્ષા અભિયાન" ની પણ શરુંઆત કરવામાં આવી છે.પહેલા તે સર્વ શિક્ષા અભિયાનના નામથી ઓળખાતું હતું. આ અભિયાનનો હેતુ પણ શિક્ષણ સુધારણા તથા મોનિટરિંગનો છે તથા શિક્ષકોને તાલીમ આપી અપડેટ રાખવાનું કામ કરે છે.
ગુજરાત રાજ્યે કન્યાઓમા શિક્ષણનું પ્રમાણ વધે તથા શિક્ષણ ક્ષેત્રે કન્યાઓ આગળ આવે તેવા ઉમદા હેતુ સાથે "કન્યા કેળવણી મહોત્સવ" પણ ઉજવવામાં આવે છે. જેથી વધુમાં વધુ સંખ્યામાં બાલિકાઓનુ પ્રાથમિક શાળામાં નામાંકન થાય તથા શિક્ષણ મેળવી પુરુષ સમોવડી દરેક ક્ષેત્રમાં બને તે હેતુ રહેલો છે.
શાળામાં બાળકો સારું શિક્ષણ તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે હેતુથી, શાળામાં નિરીક્ષણ તથા માર્ગદર્શન માટે "સ્કુલ ઈન્સ્પેક્ટર"(એસ.આઈ)ની નિમણૂંક કરવામાં આવી છે.
નિમ્ન પ્રાથમિક શાળામાં બાળકો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવે તે હેતુથી નિમ્ન પ્રાથમિક શાળામાં "પ્રજ્ઞા અભિગમ" અમલમાં લાવવામાં આવ્યો છે. પ્રજ્ઞા અભિગમ દ્વારા બાળકો પ્રવૃત્તિ દ્વારા તથા રમત દ્વારા શિક્ષણ મેળવે છે. જેથી નાના બાળકોને શાળાએ આવવું ગમે તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે હેતુથી પ્રજ્ઞા અભિગમ અમલમાં લાવવામાં આવ્યો છે. પ્રજ્ઞા અભિગમ દ્વારા નિમ્ન પ્રાથમિક શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાયો છે.
શાળામાં આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવ્યા છે. જેમાં મહત્તમ સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.શાળામાં સ્વચ્છતા જાળવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.શાળામાં ભૌતિક સુવિધા વધારવા માટે તથા ભૌતિક સુવિધાની જાળવણી માટે વિદ્યાર્થીની સંખ્યા પ્રમાંણે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.
ગુજરાતના બાળકો અન્ય રાજ્યોના બાળકો સાથે હરીફાઈમાં ઉભા રહી શકે તે માટે ગુજરાત રાજ્યમાં એન.સી.ઈ.આર.ટી નો કેન્દ્રીય અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે. જે બાળકોને કેન્દ્રીય ભરતીની પરિક્ષામાં ખુબ જ મદદરૂપ થશે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળામાં બાળકોનું માત્ર વાર્ષિક પરીક્ષાને આધારે મુલ્યાંકન કરતું નથી.પરંતુ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિ, રમતો, કાર્યક્રમ, સ્પર્ધા, ક્ષમતા સિધ્ધીને આધારે બાળકોનું સર્વાંગી અને સર્વગ્રાહી મુલ્યાંકન કરે છે. બાળકોના આ મુલ્યાંકન પત્રકોને ઓનલાઇન પણ કરવામાં આવે છે.જે સાસ પોર્ટલ પર અપડેટ કરવામાં આવે છે.
બાળકોના પ્રશ્નોના નિરાકરણની સાથે સાથે ગુજરાત રાજ્યે શિક્ષકોના પ્રશ્નોનું પણ નિરાકરણ કર્યું છે. શિક્ષકોની સેવા વિષયક બાબતોનું પણ સંતોષકારક નિરાકરણ કર્યું છે. શિક્ષકો માટે પ્રાણ સમાન પ્રશ્ન હોય તો તે છે બદલીના નિયમો. ગુજરાત રાજ્યે શિક્ષકોની બદલી અંગેના નવા નિયમો બનાવીને શિક્ષકોનો મોટો પ્રશ્ન હલ કર્યો છે, જેનાથી શિક્ષકોની બદલીનો માર્ગ મોકળો કર્યો છે. ગુજરાત રાજ્યે બદલી અંગે નવા નિયમો જ બનાવ્યા છે, જે સર્વ શિક્ષકોમાં સ્વિકૃતિ પામ્યા છે.
ગુજરાત રાજ્યે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પ્રતિભાશાળી પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવાનું કામ પણ કર્યું છે, જેનાથી શિક્ષકોના કાર્યમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો છે. આ શિક્ષકોની સાથે સાથે પ્રતિભાશાળી બાળકો ને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે પ્રસંશાને પાત્ર કામગીરી છે.
બાળકો આપણા સાંસ્કૃતિક વારસાને જાણે તથા વાંચનનો શોખ વિકસે તે હેતુથી શાળામાં પુસ્તકાલય વિકસાવવામાં આવ્યું છે, જેથી બાળકો પોતાના મનગમતા પુસ્તકો વાચી શકે તથા પોતાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી શકે.
હાલ જ એક શાળાના બાળકો અન્ય શાળાના બાળકો સાથે મુલાકાત કરી પરિચય કેળવી શકે તે માટે "સ્કુલ ટ્વીનીંગ" કાર્યક્રમ પણ શરું કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યે ઉદ્યોગોની સાથે સાથે શિક્ષણક્ષેત્રે પણ હરણફાળ ભરી છે, જે ગુજરાત માટે ગૌરવ લઈ શકાય તેવી બાબત છે.
"ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત "
જય જય ગરવી ગુજરાત
FAQs:
(વારંવાર પુછાતા પ્રશ્નો)
ક્યા પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં ડીજીટલ બોર્ડ, પ્રોજેક્ટર જેવી સુવિધા આપવામાં આવી છે?
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
કઈ યોજના અંતર્ગત કન્યાઓને બોન્ડ આપવામાં આવે છે?
વિદ્યાલક્ષ્મી બોન્ડ
શાળામાં બાળકોને દુધ પુરુ પાડતી યોજનાનું નામ શું છે?
દુધ સંજીવની યોજના
GCERT નું ગુજરાતી નામ શું છે?
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
DIET નું ગુજરાતી નામ શું છે?
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન.
એકમ કસોટીના ગુણની એન્ટ્રી કઈ એપમાં કરવામાં આવે છે?
સરલ ડેટા એપ.
KGBV નું પુરુ નામ શું છે?
કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય
0 Comments