ગુજરાતી ડાયરો || gujarati dayaro

ગુજરાતી ડાયરો || gujarati dayaro || Live gujarati dayaro || ગુજરાતી લાઈવ ડાયરાની લિંક


ડાયરા શબ્દથી આપણે સૌ પરિચિત જ છીએ. ડાયરો શબ્દ સાંભળતા જ આપણા મગજમાં લોક સાહિત્ય, વાર્તા કથન, હાસ્ય રસ, ભજન, સંતવાણી જેવા શબ્દોની હારમાળા સર્જાય જાય છે. ગુજરાતમાં ડાયરા ખુબ જ પ્રખ્યાત છે. તેમાય ખાસ તો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ડાયરા મનોરંજન અને જ્ઞાનનું એક મહત્વનું માધ્યમ છે. આ ગુજરાતી ડાયરાએ આપણા ગુજરાતી સાહિત્યનું જતન કર્યું છે. આ ગુજરાતી ડાયરાએ પુસ્તકો, ગ્રંથો માં સમાયેલ જ્ઞાનને લોકો સમક્ષ મુક્યું છે. 


ડાયરાનો અર્થ:


"ડાયરો" શબ્દ આમ તો મુળ અરેબિક શબ્દ છે. ડાયરો શબ્દ મુળ અરેબિક શબ્દ "દાઈરાહ" શબ્દમાંથી "દાહિરા" અને તેમાંથી "દાયરા" અને અંતે "ડાયરો" શબ્દ પ્રચલિત થયો છે. 

ગુજરાતી ડાયરો:


આપણા ગુજરાતી સાહિત્યો જ્ઞાનના ભંડાર સમા છે. ગુજરાતમાં ઘણા લેખકો, સાહિત્યકારો, સંતો વગેરે થઈ ગયા છે. આ લોકોએ ગુજરાતી સાહિત્યમાં ભજન, ધૂન, વાર્તા, નાટકો, ગીત, લોકગીત, ગરબા, નવલકથા, ઉપદેશો, કવિતા, ગઝલ, છપ્પા, નવલિકા, નિબંધ વગેરે સ્વરૂપે મોટું પ્રદાન કર્યુ છે. આ ગુજરાતી સાહિત્યને લોકો સન્મુખ લાવવાનું કામ ગુજરાતી ડાયરાએ કર્યુ છે. ગુજરાતી ડાયરાએ લોકોનું મનોરંજન કર્યું છે તો બીજી બાજુ ખુબ જ્ઞાન પિરસીને આપણી સંસ્કૃતિ નું જતન કરી, લોકોનું જ્ઞાન વર્ધન કર્યુ છે. 

ગુજરાતી ડાયરામાં લોક સાહિત્યકાર, ભજનિક, સંતો, લેખકો તથા કવિઓ પોતાની રજુઆત કરી લોકોને મનોરંજન તથા જ્ઞાનવર્ધન કરે છે. ગુજરાતી ડાયરામાં તબલાવાળા, મંજીરાવાળા, હાર્મોનિયમ વગેરે જેવા સંગીતના સાધનોના કલાકાર પોતાનો સાથ આપી રંગમંચ જીવંત બનાવી દે છે. ગુજરાતી ડાયરા થકી ઘણા લોકોને રોજગારી પણ મળી છે. જેમ કે મંડપ સર્વીસ, લાઈટ ડેકોરેશન, સાઉન્ડ, સંગીતના સાધનોના કલાકારો, ભજનિકો, સાહિત્યકારો વગેરે. 

આમ, તો ડાયરો એ રજવાડા સાથે સંબંધિત હતો. જેમાં દરબારની ડેલીએ દરબાર તથા લોકો ભેગા થતા. તેમાં વાર્તા, ભજન, ધૂન જેવા સાહિત્ય દ્વારા જ્ઞાન પીરસવામાં આવતું હતું. પરંતુ રજવાડાઓનું વિલિનિકરણ થતાં આ ડાયરો સમગ્ર લોકો સમક્ષ આવ્યો. આ ડાયરાએ લોકોનું જ્ઞાન વર્ધન તથા લોક સંસ્કૃતિના જતનનું સાધન બન્યો. 

આપણા ગુજરાત રાજ્યમાં ડાયરા તથા લોક સાહિત્યના કલાકારો કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, બીરજુ બારોટ, લક્ષ્મણ બારોટ, રામદાસ ગોંડલિયા, પરષોત્તમ પરી, શક્તિદાન ગઢવી, હેમંત ચૌહાણ, જીગ્નેશ કવિરાજ, મણિરજ બારોટ, અરવિંદ બારોટ, ગોપાલ સાધુ વગેરે જેવા નામી તથા અનામી ગાયકલાકારો તથા લોક સાહિત્યકારોએ પોતાનો ફાળો આપ્યો છે. 

લોક ડાયરામાં જુના સમયમાં સ્ત્રીઓનું મહત્વ થોડું ઓછું હતું, પરંતુ હાલના સમયમાં મહિલાઓએ પણ પોતાનું આગવું પ્રદાન કર્યુ છે. જેમાં લલિતા ઘોડાદરા, ફરીદા મીર, કિંજલ દવે, ગીતાબેન રબારી જેવી નામી તથા અનામી મહિલા કલાકારોએ પોતાનો ફાળો આપ્યો છે. લોક ડાયરા ક્ષેત્રે બાળ કલાકારોએ પણ પોતાનું આગવું પ્રદાન આપ્યું છે તથા ડાયરાની સીમાઓ વધારી છે. 

ગુજરાતી લોકડાયરાઓમાં ઐતિહાસિક વાતો તથા પ્રસંગોથી લોકોને ઈતિહાસથી પરિચિત કરાવ્યા છે. તો કબીર તથા રહિમના દોહા, અખાના છપ્પા, મીરાના પદો, પ્રેમાનંદના નાટકો, ગઝલોએ ડાયરામાં એક અનેરું આકર્ષણ જમાવ્યું છે તથા જ્ઞાનની સીમાઓનો વિસ્તાર કર્યો છે. ગુજરાતી ડાયરાઓ આજે વિવિધ સામાજિક પ્રસંગો, ધાર્મિક તહેવારો, ધાર્મિક લાભાર્થે તથા વિવિધ ઉદેશ સાથે યોજવામાં આવે છે. 

ગુજરાતી લોકડાયરાઓ આજે પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતી ડાયરાએ લોક સાહિત્ય તથા સંગીતને જીવંત રાખ્યું છે. ગુજરાતી લોક ડાયરાએ માત્ર મોટી ઉંમરની વ્યક્તિમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ એક આગવું સ્થાન ઉભું કર્યું છે. ગુજરાતી ડાયરાઓમા કલાકારો તથા વિવિધ ઉદેશને અનુરૂપ લોકો ભેગા થતા હોય છે અને ડાયરાનું રસપાન કરતાં હોય છે. 

આજના આધુનિક ગુજરાતી ડાયરાઓમા વિશાળ રંગમંચ, લાઈટ ડેકોરેશન, લાઈવ ટેલિકાસ્ટ જેવી બાબતો ઉમેરાઈ છે. આજનો આધુનિક લોક ડાયરો એટલે કલાકાર પર પૈસાની ધોધ વહાવી પોતાનો સંગીત પ્રેમ દર્શાવવો તથા જ્ઞાનનું રસપાન કરવું. આજે ડાયરાઓમા વિશાળ સંખ્યામાં એકઠી થતી જનમેદની જ ડાયરાનું મહત્વ તથા લોક પ્રિયતા સમજાવે છે. 

આપણે ડાયરાને આગવું સ્થાન અપાવવા કાગબાપુ, ઝવેરચંદ મેઘાણી, હેમુભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ જેવા અનેક નામી અનામી વ્યક્તિઓએ ફાળો આપ્યો છે. આ લોકોએ જાળવેલી પરંપરા નવા કલાકારોએ જાળવવી પડશે. પૈસાની લાલચ, પ્રખ્યાત થવા માટે કલાકારો દ્વારા અપનાવાતી અવ્યવહારિક તથા શોર્ટકટ ટ્રીક, પ્રખ્યાત થવા માટે નિમ્ન કક્ષાનું બોલવું કે ગાવું તે ડાયરાની પરંપરા વિરુદ્ધ કે કલંક સમાન છે. 

ડાયરો એટલે........ 


ડાયરો એટલે ગામડું બોલે ને શહેર સાંભળે ઈ ડાયરો... 

ડાયરો એટલે ભોળપણ બોલે ને ચતુરાઇ સાંભળે ઈ ડાયરો... 

ડાયરો એટલે માટી બોલે ને ફોરમ સાંભળે ઈ ડાયરો... 

અંહી નીચે આપેલી લિંક દ્વારા તમને જ્યારે ગુજરાતનાં નામી અનામી કલાકારો લાઈવ થશે ત્યારે લિંક દ્વારા જાણ કરવામાં આવશે. 

Post a Comment

0 Comments